ધર્મજના યુવકનો વાસદ પાસે ટ્રેન નીચે પડતુ મૂકીને આપઘાત
- યુવકના આપઘાતનું રહસ્ય અકબંધ
- મૃતક તેના પરિવારજનો સાથે કીમ ખાતે રહેતો હતો : નડિયાદમાં દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી યુવક ધર્મજ આવ્યો હતો
રવિવારના રોજ રાત્રિના સુમારે આણંદ રેલ્વે સ્ટેશનથી લોકશક્તિ ટ્રેન ઉપડી હતી. દરમિયાન ટ્રેન વાસદ નજીક પહોંચતા એક યુવક ટ્રેક ઉપર ટ્રેનની સામે આવી ઉભો રહી જતા ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ હતી અને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ રેલ્વે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેના આધારે મરણ જનાર યુવક ધર્મજ ગામનો વિશાલ હર્ષદભાઈ વ્યાસ (ઉં.વ.૧૮) હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પોલીસે યુવકના પરિવારજનોને જાણ કરતા તેઓ આણંદ ખાતે દોડી આવ્યા હતા.
પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૃતક વિશાલ વ્યાસ હાલ તેના માતા-પિતા તથા પરિવારજનો સાથે કીમ ખાતે રહેતો હોવાનું અને ધો.૧૦માં નાપાસ થયા બાદ આઈટીઆઈમાં અભ્યાસ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. વધુમાં હાલ નડિયાદ ખાતે તેના દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી તે ધર્મજ ખાતે આવ્યો હતો. જો કે વિશાલે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું રહસ્ય હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.