બોદાલ નજીક કારની અડફેટે ટુવ્હિલર પર બેઠેલા યુવકનું મોત
- અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
- માથામાં ગંભીર ઈજા પહોંચતા કરમસદમાં સારવાર અર્થે ખસેડયા હતા
દાવોલ ગામે હરિપુરામાં ચેતનભાઈ ઉર્ફે પીન્ટો ઈશ્વરભાઈ ગોહેલ પરિવાર સાથે રહે છે. તેઓ તથા તેમનો મિત્ર વિક્રમભાઈ અશોકભાઈ ગોહેલ ટુવ્હીલર લઈ નંદેસરી ખાતેની કંપનીમાં નોકરી અર્થે અપડાઉન કરે છે. ગત તા.૨૫મી ડિસેમ્બરના સવારે ૬.૩૦ કલાકની આસપાસના સુમારે તેઓ નોકરી જવા અર્થે ઘરેથી નીકળ્યા હતા.
ત્યારે બોદાલ બસ સ્ટેન્ડ નજીક તારાપુર-વાસદ હાઈવેના સર્વિસ રોડ ઉપર સાઈડમાં તેઓની રાહ જોઈને ટુવ્હીલર ઉપર બેઠેલા મિત્ર વિક્રમભાઈને મળ્યા હતા. દરમિયાન ચેતન ઉર્ફે પિન્ટો નજીકમાં કામથી ગયા હતા. ત્યારે એક અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલકે ટુવ્હીલર ઉપર બેઠેલા વિક્રમભાઈને પાછળથી જોરદાર ટક્કર મારતા વિક્રમભાઈ રોડ ઉપર ફંગોળાયા હતા અને માથા તથા શરીરના ભાગે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં ૧૦૮ને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને વિક્રમભાઈને સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દરમિયાન અકસ્માત સર્જનાર ફોરવ્હીલ ચાલક ઉભો રહી ગયા બાદ ત્યાંથી નાસી છૂટયો હતો.
સારવાર દરમિયાન વિક્રમભાઈનું મોત નીપજતા આ અંગે ચેતનભાઈ ગોહેલે બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેની સઘન શોધખોળ હાથ ધરી છે.