ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
- પેટલાદ તાલુકાના પાડગોલ ગામના બસ સ્ટેન્ડ નજીક
- ટ્રેક્ટર ચાલકે તેજ ઝડપે ટર્ન લેતા બાઇકને ટક્કર વાગતાની સાથે યુવાન ફંગાળોઇને રોડ પર પટકાયો
આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાડગોલ ગામના બસ સ્ટેન્ડ નજીક ગઈકાલ સાંજના સુમારે એક ટ્રેક્ટર તથા મોટરસાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાધ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના પાડગોલ ગામે રહેતા સુનીલભાઈ રમેશભાઈ સોલંકી (ઉં-૨૮) ગઈકાલ સમી સાંજના સુમારે બાઇક ઉપર પાડગોલથી વલેટવા તરફ જવા નીકળ્યા હતા. તે દરમ્યાન પાડગોલ બસ સ્ટેન્ડથી વેલટવા જવાના માર્ગે આવેલા વજનકાંટા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એકદમ ટર્ન લેતા બાઇકને અડફેટે લીધી હતી. ટ્રેક્ટરની ટક્કર વાગતા જ બાઇક પર સવાર સુનીલભાઈ સોલંકી ઉછળીને રોડ પર પટકાયા હતા. તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યુંં હતું.
આ બનાવ અંગે મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ સાધુભાઈ સોલંકીએ મહેળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.