ટેમ્પો ચાલકે બે ટુવ્હીલરને અડફેટે લેતા યુવકનું મોત
- ઉમરેઠની ઓડ ચોકડી નજીક અકસ્માત
- બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો
આણંદ : ઉમરેઠની ઓડ ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ ઉપર શુક્રવારે રાત્રે એક આઈશર ટેમ્પોના ચાલકે એક એક્ટિવા અને એક બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટુવ્હીલર ચાલક બેચરી ગામના યુવકનું મોત નિપજ્યું હતું.
બેચરી ગામે રહેતો હિમાંશુ રાજેશભાઈ પટેલ (ઉં.વ.૨૨) ગત શુક્રવારે રાત્રે પોતાનું એક્ટિવા લઈ ઉમરેઠની ઓડ ચોકડી નજીક જીઆઈડીસી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પુરઝડપે આવેલા આઈશર ટેમ્પાના ચાલકે તેને ટક્કર મારતા હિમાંશુ રોડ ઉપર પટકાયો હતો.
બાદમાં ટેમ્પાચાલકે એક બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર કિશનભાઈ અને તેમના પત્ની પણ રોડ ઉપર પટકાયા હતા. જેથી ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં એક્ટિવાચાલક હિમાંશુનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત અંગેની જાણ થતાં ઉમરેઠ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આઈશર ટેમ્પાચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.