ચાઇનીઝ દોરીથી ગળું કપાઇ જતા બાઇક ચાલક યુવકનું મોત
- ઠાસરા-સેવાલિયા રોડ પરનો બનાવ
- ઠાસરાના આગરવા ગામેથી સાસરીમાં પાલૈયા જતી વખતે દુર્ઘટના બની
ઠાસરા તાલુકાના આગરવા ગામે રહેતા અલ્પેશભાઈ નરવતભાઈ પરમાર મોટરસાયકલ લઈ કાલસરથી ઢુણાદરા જનાર શહિદની શોભાયાત્રામાં ગયા હતા. જ્યાં તેમના સાળાનો ફોન આવતા તેઓ સાસરી પાલૈયા ખાતે જવા નીકળ્યા હતા. દરમ્યાન તેઓની મોટરસાયકલ ઠાસરા-સેવાલિયા રોડ ઉપર આવેલ ધી જે.એમ. સ્કુલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ચાઈનીઝ દોરી તેઓના ગળામાં વીંટળાઈ ગઈ હતી. જેથી તેઓનું ગળું કપાઈ જતા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયા હતા અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાને કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકના દવાખાને ખસેડાયો હતો. આગરવાના યુવકના મૃત્યુના સમાચાર ગામમાં પહોંચતા ગામમાં ગમગીનીભર્યો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ચાઈનીઝ દોરીના કારણે આશાસ્પદ યુવકનું મોત થતા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારના રોકકળને કારણે વાતાવરણ શોકમય બની ગયું હતું.