ખંભાતના કાણીસા ચોકડી પાસે અકસ્માતમાં મહિલાનું મોત
- પીકઅપ ડાલાએ બાઇક સવાર દંપતીને ટક્કર મારી
- અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું, ગામમાં શોકની લાગણી
તારાપુરના મચ્છીમાર્કેટ ખાતે રહેતા કિશનભાઈ મફતભાઈ ચુનારા ગત તા.૭મીને બુધવારના રોજ પત્ની પારૂલબેન તથા ચાર માસની દિકરી માનવીને લઈને દાદા સસરાની ખબર કાઢી વટાદરાથી સાંજના સુમારે મોટરસાયકલ ઉપર સવાર થઈ કોડવા મોટી માતાના દર્શન કરવા જવા નીકળ્યા હતા. સાંજના સુમારે તેઓ કાણીસા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મહીન્દ્ર પીકઅપ ગાડીના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા દંપત્તી તથા દિકરી રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં પારૂલબેનને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પારૂલબેનને ૧૦૮ એમ્બ્યુલન્સવાન મારફતે ખંભાતની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેણીને વધુ સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે તેણીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દરમ્યાન ગતરોજ વહેલી સવારના સુમારે સારવાર દરમ્યાન તેણીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કિશનાભાઈ મફતભાઈ ચુનારાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.