Get The App

આણંદના અડાસ પાસે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
આણંદના અડાસ પાસે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત 1 - image


- નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન 

- અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટતા અકસ્માતે મોત થયાની ફરિયાદ નોંધાઇ

આણંદ : નેશનલ હાઈવે નં.૪૮ પર આવેલા આણંદ તાલુકાના અડાસ નજીક ગઈકાલ સમી સાંજના સુમારે રોડ ક્રોસ કરી રહેલ એક ૪૫ વર્ષીય મહિલાને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

 આણંદ પાસેના રામનગર ખાતે રહેતા મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ (ઉં.વ.૪૫) નેશનલ હાઈવે ઉપર આવેલ અડાસ ગામની સીમની એક નર્સરીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. ગત રોજ નર્સરીના માલિકે નર્સરી ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ હોઈ કાંતીભાઈ ચૌહાણ તથા તેમના ભાભી મંજુલાબેન સાંજના સુમારે જમવા માટે ગયા હતા જ્યાંથી પરત ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન કાંતીભાઈના ભાભી મંજુલાબેન નેશનલ હાઈવે ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી ચઢેલ અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલકે તેઓને જોરદાર ટક્કર મારતા મંજુલાબેન ફંગોળાઈને ડીવાઈડર પર પડયા હતા.  અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક ઘટના સ્થળેથી કાર લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ તથા વાસદ પોલીસને જાણ કરતા ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ના તબીબે મંજુલાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા.  

વાસદ પોલીસે મંજુલાબેનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે વાસદના સરકારી દવાખાને ખાતે મોકલી આપ્યો હતો. સાથે સાથે કાંતીભાઈ ચૌહાણની ફરીયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News