કરમસદની સંદેશર ચોકડી પાસે ટેન્કરની ટક્કરે શાળાએ જતી વિદ્યાર્થિનીનું મોત
- પોલીસે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
- અમૂલ દૂધના ટેન્કરના ચાલકે બેદરકારીથી હંકારીને વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો
આણંદ પાસેના કરમસદ ખાતે રહેતા પ્રિતેશભાઈ પ્રવિણભાઈ દલવાડીની ૧૫ વર્ષીય દિકરી દીયા કરમસદની સંતરામ સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતી હતી. આજે સવારના સુમારે નિત્યક્રમ મુજબ ૧૫ વર્ષીય દીયા સાયકલ લઈને શાળાએ જવા નીકળી હતી. દરમિયાન તેણી સંદેશર ચોકડીથી દેવરાજપુરા તરફ જવાના માર્ગેથી પસાર થઈ રહી હતી ત્યારે અમૂલ પાર્લર નજીક અમૂલ દુધના ટેન્કરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી સાયકલ સવાર કિશોરીને જોરદાર ટક્કર મારી હતી. ટેન્કરની ટક્કર વાગતા સાયકલ પર સવાર ૧૫ વર્ષીય દીયા રોડ પર પટકાઈ હતી અને ટેન્કરના પાછળના વ્હીલ સાથે અથડાતા તેણીને માથા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી કિશોરીને તુરત જ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળાનું મોત નિપજ્યું હતું. પંદર વર્ષીય દીયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બીજી તરફ અકસ્માત બાદ ટેન્કરનો ચાલક વિદ્યાનગર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ભદ્રેશભાઈ પ્રવિણભાઈ દલવાડીની ફરિયાદના આધારે ટેન્કર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.