Get The App

કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત 1 - image


- ખંભાત રેલવે ફાટકથી કસારી ચોકડી માર્ગ ઉપર

- ઇજાગ્રસ્તને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખેસાડાયો પરંતું બચાવી ન શકાયો

આણંદ : ખંભાત તાલુકાના કસારી ઓએનજીસી આગળ આવેલ માર્ગ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક રીક્ષાના ચાલકે કોઈક કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષા ડીવાઈડર કુદી સામેના માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ એક કાર સાથે અથડાતા થયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ રીક્ષાચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 બોરસદ તાલુકાના દહેવાણ ગામે જૂની વાડી વિસ્તારમાં રહેતા ઉપેન્દ્રસિંહ મોહનસિંહ પરમાર ગત રોજ સવારના સુમારે પોતાની ઈકો કારમાં મિત્ર સંજયભાઈ અરવિંદભાઈ પરમારને બેસાડી ખંભાત ખાતે ઘરવખરીની ખરીદી માટે જઈ રહ્યા હતા.

 દરમ્યાન તેઓની કાર સવારના સુમારે કંસારી ઓએનજીસી આગળ આવેલ એક પાન પાર્લરની સામે દરગાહ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ખંભાત તાલુકાના ટીંબા તાબે કોઠીયાપુરા ગામે રહેતા મહેશભાઈ ભાઈલાલભાઈ પરમાર પોતાની રીક્ષા પૂરઝડપે ખંભાત રેલવે ફાટક તરફથી લઈ કંસારી ચોકડી તરફ આવી રહ્યો હતો ત્યારે કોઈક કારણોસર ડીવાઈડર કુદીને ઈકો ગાડી તરફના રોડ ઉપર આવી જઈ કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

 અકસ્માતને પગલે રીક્ષા ડ્રાઈવર રીક્ષામાંથી રોડ ઉપર પટકાતા શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જેથી ઈકોમાં સવાર ઉપેન્દ્રભાઈ તથા તેઓના મિત્ર સંજયભાઈએ ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને અન્ય રીક્ષામાં બેસાડી સારવાર અર્થે ખંભાતની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

જ્યાં ફરજ પરના તબીબે ગંભીર રીતે ઘવાયેલ રીક્ષાચાલકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ઉપેન્દ્રભાઈ પરમારે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News