આસોદર ચોકડી પાસેથી ટ્રકમાં લઇ જવાતો 21 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેવાયો
- બોરસદના બે શખ્સોએ ઓરિસ્સાથી માદક પદાર્થ મગાવ્યો હતો
- પોલીસે રૂ. 2.18 લાખથી વધુના ગાંજા સહિત કુલ 12.19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો : નાર્કોટિક્સની ટીમ દોડી આવી
આણંદ
આંકલાવ તાલુકાની આસોદર ચોકડીના બ્રીજ પાસે આણંદ એસઓજી પોલીસની ટીમે વોચ ગોઠવી ટ્રકમાં લવાયેલ ૨૧.૮૧૦ કિગ્રા ગાંજાના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડયો હતો. પોલીસે ગાંજો તથા ટ્રક મળી કુલ્લે રૂા.૧૨.૧૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ત્રણ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ એસઓજી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન એક ટ્રક વાસદ તરફથી આસોદર નજીક ગેરકાયદેસર ગાંજો ભરીને પસાર થનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી એસઓજી પોલીસની ટીમ આસોદર ચોકડી નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની ટ્રક આવી ચઢતા પોલીસે ટ્રકને અટકાવી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતાં અંદરથી માદક પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે નાર્કોટીક્સની ટીમને જાણ કરતા ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકમાંથી મળેલ માદક પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યું હતું. જેનું વજન કરતા ૨૧.૮૧૦ કિ.ગ્રા થયું હતું. જેની અંદાજિત કિંમત રૂા.૨,૧૮,૧૦૦ જેટલી થાય છે. પોલીસે ટ્રકચાલકના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે શબ્બીરોદ્દીન જલાલુદ્દીન મલેક (રહે.બોરસદ, મેવડા ફળીયું, રબારી ચકલા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાંજાનો જથ્થો તથા ટ્રક મળી કુલ્લે રૂા.૧૨,૧૯,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી શબ્બીરોદ્દીનની વધુ પુછપરછ કરતા આ ગાંજાનો જથ્થો બોરસદ ખાતે રહેતા ઈદ્રીશ અલીહુસેન સૈયદ અને મલેક નામના શખ્શે મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. મલેક નામના શખ્શની બોરસદની વાસદ ચોકડી પાસે બાઈક રીપેરીંગનું ગેરેજ આવેલું છે અને આ ગાંજો ઓરીસ્સાથી લાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. જેથી એસઓજી પોલીસે ઝડપાયેલ શખ્શને આંકલાવ પોલીસના હવાલે કરતા પોલીસે કુલ ત્રણ શખ્શો વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.