ખંભાતમાં લઘુમતી કોમના ટોળાએ પોલીસ કર્મીને નગ્ન કરી ફટકાર્યો
- ક્ષત્રિય સમાજે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ
- પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી હુમલાખોરો સામે ગુનો નોંધવાની માંગ
આણંદ : ખંભાતમાં રવિવારે ધાર્મિક બાબતે લઘુમતી કોમનું ટોળુ ખંભાત પોલીસ મથકે ઉમટયું હતું. જ્યાં ટોળાએ એક પોલીસ કર્મીના કપડા ફાડી નાખી, નગ્ન કરીને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આણંદ જિલ્લા ક્ષત્રિય એક્તા સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. જોકે, પોલીસ દ્વારા આ અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. ત્યારે
આણંદ જિલ્લા ક્ષત્રિય એક્તા સમિતિ સેનાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખંભાતના મેળામાં ગત તા.૧૭ના રોજ સગીરોએ ચકડોળમાંથી પસ્તીના ટુકડા ઉડાડયા હતા તેમાં ધાર્મિક ગ્રંથના ટુકડા પણ હતા. આ અંગે ખંભાત પોલીસે ગુનો નોંધી સગીર બાળકોની અટકાયત કરી હતી.
તે સમયે લઘુમતી કોમના ટોળાએ ખંભાત શહેર પોલીસ મથકને ઘેરી લીધું હતું. તેમજ સગીરોને પોતાને હવાલે કરવાની માંગ કરી હતી. તે સમયે પોલીસ કર્મીએ સગીરોને ટોળાનો ભોગ બનતા બચાવ્યા હતા. એક પોલીસ કર્મી દ્વારા પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે લઘુમતી કોમના ટોળાએ પોલીસ કર્મીને ધક્કો મારી ડી સ્ટાફની ઓફિસમાં ઢસડી જઈ અપશબ્દો બોલી કપડાં ફાડી નાખી નગ્ન કરી માર માર્યો હોવાના આક્ષેપ રજૂઆતમાં લગાવ્યા છે. તેમજ સરકારી વાહનોને નુકસાન પહોંચાડયું હતું. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખંભાત શહેર પોલીસ મથકે પહોંચી ગયા હતા. જોકે, આ બનાવ અંગે પોલીસ મગનું નામ મરી પાડતી નથી. ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી.