વિદ્યાનગરમાં 18.38 લાખની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો
- 16 ગ્રાહકો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ
- ઈલેક્ટ્રિક સ્કૂટરના બૂકિંગના નામે નાણાં મેળવી સેલ્સમેને કંપનીમાં જમા કરાવ્યા નહતા
વિદ્યાનગરમાં આવેલા સ્વયં સીમ્ફની કોમ્પ્લેક્સમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં છેલ્લા દોઢેક વર્ષથી અસજાદબેગ જાવેદબેગ મિરઝા (રહે. ઉમ્મીદપાર્ક સોસાયટી, આણંદ) સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો.
અસજાદબેગ કેટલાક ગ્રાહકોને સ્કૂટરના ફિચર્સ બતાવી સ્કૂટર બૂક કરાવવું હોય તો બૂકિંગ કરાવવા પેટે ગ્રાહકો પાસેથી રોકડ તથા એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. જે ગ્રાહક રોકડા રૂપિયા આપે તો તેના બદલામાં કોરા કાગળ ઉપર ગ્રાહકની વિગત તથા બૂકિંગના નાણાંની વિગત લખી તેની પાવતી બનાવતો હતો. તેમજ સ્કૂટરની જાહેરાત માટે બનાવેલા રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરી સિક્કો મારી સહી કરીને ગ્રાહકોને આપતો હતો. આ રીતે સેલ્સમેને ૧૬ ગ્રાહકો પાસેથી ઓલા સ્કૂટરની બૂકિંગના નામે કુલ રૂ. ૧૮,૩૮,૩૦૦ રકમ મેળવી ગ્રાહકોને સ્કૂટરની ડિલિવરી અપાવી નહતી. થોડા દિવસ પૂર્વે આ અંગે શો-રૂમ ખાતે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.
આ અંગે ગ્રાહકોની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.