પીકઅપ ડાલામાં ભૂસાની આડમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પીકઅપ ડાલામાં ભૂસાની આડમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો 1 - image


- એક્સપ્રેસ હાઈવે પર આણંદ એક્ઝીટ પાસેથી 

- 3.68 લાખના વિદેશી દારૂ સહિત 13.18 લાખનો મુદ્દામાલ જપ્ત, બે સામે ગુનો નોંધાયો 

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ એક્ઝીટ નજીકથી આણંદ એલસીબીએ મંગળવારે પીકઅપ ડાલામાં ભૂંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને દારૂ  અને બિયરના કુલ ૯૯ બોક્સ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા તરફથી એક પીકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થનાર હોવાની બાતમી મંગળવારે એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ આણંદ એક્ઝીટ નજીક વોચમાં ગોઠવાઈ બાતમી મુજબનું પીકઅપ ડાલુ આવી ચઢતા તેને અટકાવ્યું હતું. એલસીબીએ ડાલાના ચાલક શોહેબભાઈ ઉર્ફે ધુળેટી શફીમહંમદ મન્સુરી (રહે. મહેમદાવાદ, ખાત્રજ દરવાજા)ની પુછપરછ હાથ ધરતા ડાલામાં પશુને ખવડાવવાના ભૂંસાની ગુણો ભરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તપાસ કરતા ભૂંસાની ગુણોની આડમાં વિદેશી દારૂ - બિયરના ૯૯ બોક્સ મળી આવ્યા હતા. 

જેથી ચાલકની વધુ પુછપરછ કરતા આ પીકઅપ ડાલુ તેને દાહોદ બાયપાસ તુલસી હોટલથી દાહોદના રસુલ નામના શખ્શે આપ્યું હોવાનું અને આણંદના ગંજ બજારમાં પાર્કિંગમાં ઉભી રાખી રસુલભાઈ જે માણસને મોકલે તેને આપવાનું હોવાનું કબુલાત કરી હતી. એલસીબીએ રૂ. ૩,૬૮,૨૮૦ની કિંમતનો દારૂનો જથ્થો અને પીકઅપ ડાલુ મળી કુલ રૂ.૧૩,૧૮,૭૮૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો સામે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ દરોડો કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠયા છે. 


Google NewsGoogle News