ભાલેજમાં ગૌવંશની કતલ કરતો એક શખ્સ ઝડપાયો, 2 ફરાર
- ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ
- પોલીસે 100 કિલો હાડ-માંસના જથ્થાનો નાશ કર્યો
ભાલેજ ઈન્દિરાનગરી પાછળના ભાગે આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીની તળાવ તરફની પડતર જગ્યામાં બાવળના ઝાડ નીચે ભાલેજ ગામના સલીમખાન ઉર્ફે ચીનીમીની યુસુફખાન પઠાણ પોતાના માણસો સાથે ગૌવંશની કતલ કરતા હોવાની બાતમી ભાલેજ પોલીસને મળી હતી.
જેથી પોલીસે છાપો મારતા સલીમખાન પઠાણ (રહે.પઠાણવાડો) કતલ કરેલા ગૌવંશના હાડ-માંસના જથ્થા સાથે મળી આવ્યો હતો. જે બાબતે પશુ ચિકિત્સા અધિકારી ઉમરેઠને સ્થળ પર બોલાવી, પકડાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરતા સ્થળ પરથી ફરાર થઈ ગયેલા શખ્સોમાં સાકીર ઉર્ફે મેમરી રહેમાન કુરેશી તથા અનવર ઉર્ફે મુકરી (બંને રહે. ભાલેજ, તા.ઉમરેઠ) હોવાનું કબૂલ્યું હતું.
પોલીસ દ્વારા અંદાજિત ૧૦૦ કિ.ગ્રા. હાડમાંસનો જથ્થો કિં.રૂા.૧૦ હજારનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌવંશની કતલ કરવામાં ઉપયોગમાં લીધેલ કુહાડી, ધારદાર છરો, ડિસમીસ જેવું સાધન, દોરડા નંગ-૨ તથા પશુ ચિકિત્સા અધિકારીએ લઈ આપેલો હાડ-માંસનો જથ્થો સહિતનો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરી ત્રણેય શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.