Get The App

ખંભાત શહેરમાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ પર જોખમી ગાબડું પડયું

Updated: Jul 29th, 2022


Google NewsGoogle News
ખંભાત શહેરમાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ પર જોખમી ગાબડું પડયું 1 - image


- આ રસ્તે દર વર્ષે ગાબડું પડે છે

- માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવા છતાં તંત્ર બેખબર

આણંદ : ખંભાત શહેરના રેલવે સ્ટેશનથી કોલેજ તરફ જવાના માર્ગ પર મસમોટા ગાબડાં પડતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓ માટે જોખમ ઉભું થવા પામ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સીઝનમાં આ માર્ગ પર ગાબડા પડવાની પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત રહેવા પામી છે. ત્યારે તંત્ર પણ જાણે કોઈ જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે.

વધુમાં મળતી માહિતી મુજબ દર વર્ષે ચોમાસાની સીઝનમાં ખંભાતની કોલેજ નજીક આવેલ આકૃતિ ટાઉનશીપથી રેલવે સ્ટેશન તરફ જવાના માર્ગ પર મસમોટા ગાબડાંની વણઝાર જોવા મળે છે. ચાલુ વર્ષે પણ આ માર્ગ પર મસમોટા ગાબડા પડવાના કારણે કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક નાગરિકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ ઉપર ગાબડાં પડવાના કારણે સદર માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. ખંભાત તાલુકાના રંગપુર, મોતીપુરા, નગરા, કતકપુર સહિતના ગામના લોકો માટે તેમજ કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે આ માર્ગ ઉપયોગી છે. ત્યારે હાલમાં માર્ગની વચ્ચોવચ ઠેરઠેર ગાબડા પડવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે.

આ અંગે એક સ્થાનિક રહીશ કેતનભાઈ સોલંકીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે આ માર્ગેથી નગરા, મોતીપુરા સહિતના ગ્રામજનો તેમજ સ્થાનિકો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તરફના મુખ્ય માર્ગે પહોંચવા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. સાથે સાથે આ માર્ગ ઉપર શાળા-કોલેજો આવેલ હોઈ અપડાઉન કરતા વિદ્યાર્થીઓની અવરજવર પણ વધુ રહે છે. માર્ગ ઉપર મસમોટા ગાબડા પડવાના કારણે રાત્રિના સુમારે સ્થાનિકો તેમજ વાહનચાલકોને ગાબડાંમાં પટકાવાનો અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે કુંભકર્ણની ઘોર નિદ્રામાં પોઢી ગયેલ પાલિકા તંત્ર આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી છે.

આકૃતિ ટાઉનશીપથી રેલવે સ્ટેશન તરફનો માર્ગ અવરજવરથી સતત વ્યસ્ત રહે છે. લગભગ એક વર્ષ પૂર્વે જ આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ગત વર્ષે આ માર્ગ ઉપર ચોમાસા દરમ્યાન નજીક નજીકના અંતરે અનેક ગાબડાં પડી જતા અનેકવાર વાહનો ફસાવાની ઘટનાઓ બની હતી. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલ્યું નહતું. હાલમાં પણ ચોમાસાની સિઝનમાં પુનઃ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે માર્ગ બનાવવામાં જે-તે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News