વિદ્યાનગરમાં 15 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
વિદ્યાનગરમાં 15 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો 1 - image


- 5 શખ્સોની અટકાયત કરાઈ

- 13 વર્ષ પહેલા ખાનગી જમીન પર કાચા-પાકા મકાનો બાંધી દીધા હતા 

આણંદ : વિદ્યાનગરના મહાદેવ એરીયા વિસ્તારમાં છેલ્લા ૧૩ વર્ષ ઉપરાંતથી ખાનગી મિલકત પચાવી પાડી વસવાટ કરતા ૧૫ શખ્સો સામે વિદ્યાનગર પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે પૈકી પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

વલ્લભવિદ્યાનગરના મહાદેવ એરીયામાં ખાડા વિસ્તારમાં માર્ચ-૨૦૧૧થી સિટી સર્વેનં. ૪૭૨વાળા પ્લોટમાં અનેક પરિવારોએ જમીનમાં પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે કાચા-પાકા છાપરા તથા મકાનો બાંધી દીધા હતા. જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરી મિલકત પચાવી પાડવામાં આવી હતી. જે અંગે જમીન માલિક દ્વારા જિલ્લા કલેક્ટરને વર્ષ ૨૦૨૧માં રજૂઆત કરાઈ હતી. 

જે અંગેની તપાસ કરવામાં આવતા લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોવાથી ગત વર્ષે જિલ્લા કલેક્ટરમાં થયેલી અરજી સંદર્ભે ૧૫ જેટલા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ થયો હતો. જિલ્લા કલેક્ટરના હુકમ સામે સ્થાનિક રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટનો ચુકાદો આવતા ગેરકાયદે કબ્જો જમાવનાર વ્યક્તિઓની પીટીશન કાઢી નાખવામાં આવતા આખરે વિદ્યાનગર પોલીસે રમેશભાઈ જેસંગભાઈ વસાવા, ચીમનભાઈ નગીનભાઈ વસાવા, દિનેશભાઈ ચંદુભાઈ વસાવા, રમીલાબેન છગનભાઈ વસાવા, મંજુલાબેન સોમાભાઈ વસાવા, લક્ષ્મીબેન ભીખાભાઈ વસાવા, રાજુભાઈ શંકરભાઈ વસાવા, રાજુભાઈ હરમાનભાઈ વસાવા, શામળભાઈ કેશવભાઈ વસાવા, મંગીબેન રમેશભાઈ વસાવા, રામુભાઈ હરમાનભાઈ વસાવા, ઉષાબેન ખોડાભાઈ વસાવા, રમેશભાઈ કાળુભાઈ વસાવા, ચંદુભાઈ ચુનીભાઈ વસાવા અને મેલાભાઈ ચુનીભાઈ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધી તે પૈકીના પાંચની અટકાયત કરવામાં આવી છે. 


Google NewsGoogle News