વિદ્યાનગરમાં ગેરકાયદે ખાતર સંગ્રહ કરનાર 2 સામે ગુનો નોંધાયો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
વિદ્યાનગરમાં ગેરકાયદે ખાતર સંગ્રહ કરનાર 2 સામે ગુનો નોંધાયો 1 - image


- 22 દિવસ અગાઉ 2.46 લાખનો જથ્થો પકડયો હતો

- ખેતી તથા ઈન્ડસ્ટ્રીયલ વપરાશનો જથ્થો હોવાનો રિપોર્ટ આવતા કાર્યવાહી કરાઈ 

આણંદ : વિદ્યાનગરની જીઆઈડીસીમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીઝમાંથી એલસીબી પોલીસે લગભગ બાવીસ દિવસ પૂર્વે ઝડપી પાડેલા રૂા.૨.૪૬ લાખ ઉપરાંતની કિંમતના યુરિયા ખાતરના જથ્થા અંગે વિદ્યાનગર પોલીસે ફેક્ટરીના માલિક સહીત બે વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાનગરની જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વિશ્વાસ ટુલ્સ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ખાતરનો સંગ્રહ કરાયો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. ગત તા.૫મી ઓક્ટોબરના રોજ એલસીબી પોલીસે જીઆઈડીસી ખાતે આવેલા ગોડાઉનમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં ગોડાઉન ખાતેથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવતા પોલીસે આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીને આ અંગે જાણ કરતા ખેતીવાડી વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેતીના ઉપયોગ માટેનું નીમકોટેડ તથા ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેનું ટેકનીકલ ગ્રેડ યુરીયાની કુલ-૧૧૬ બેગ કબજે લીધી હતી.

 ટીમ દ્વારા જરૂરી નમૂના લઈ રાસાયણિક ખાતરની ચકાસણી માટે ગાંધીનગર ખાતે નમૂના મોકલી આપવામાં આવ્યા હતા. પૃથક્કરણનો અહેવાલ આવતા ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી પકડાયેલા ખાતરનો જથ્થો નીમકોટેડ યુરિયા ખાતર ખેતી ઉપયોગ માટે તથા ટેકનીકલ ગ્રેડ યુરિયા ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેની ખાતરની બેગોના જથ્થામાં કૃભકો દ્વારા નિર્મિત યુરિયા ખાતર ખેડૂત વપરાશ માટેનું જ હોવાનો અહેવાલ આવતા ખેતીવાડી અધિકારી પાર્થિક પટેલે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલકુમાર દેવમુરારી  (રહે.ચાવડાપુરા, આણંદ) તથા ટ્રુમાર્ક કોર્પોરેશન પ્રા.લી. અમદાવાદના જવાબદાર વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News