બોરસદના કસારી રોડ ઉપરની કેનાલમાંથી ગૌવંશનું માથું મળ્યું
- પોલીસે પશુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી
- ક્રુરતાપૂર્વક ગૌવંશની હત્યાને લઈને જીવદયા પ્રેમીઓમાં આક્રોશ
બોરસદ શહેર નજીક આવેલા કસારી રોડની સાઈડમાંથી પસાર થતી મહીકેનાલમાં એક ગૌવંશનું માથું કપાયેલી હાલતમાં પડયું હોવાનું લોકનજરે ચઢતાં લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડયા હતા. આ ઘટનાની જાણ જીવદયા પ્રેમીઓને થતાં તેમના સહિત વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ બોરસદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સ્થાનિકોની મદદથી પોલીસે કેનાલમાંથી ગૌવંશનું મસ્તક બહાર કાઢ્યું હતું. સાથે સાથે આ અંગે બોરસદના વેટરનરી ર્ડાક્ટરને જાણ કરવામાં આવતા તબીબની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વેટરનરી ર્ડાક્ટરના જણાવ્યા મુજબ, ગૌવંશની કતલ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ છે પરંતુ તે મેલ છે કે ફીમેલ તે અંગે જાણી શકાયું નથી. વધુમાં ગૌવંશ ચારથી સાડા ચાર વર્ષની ઉંમરનું હોવાનું અને આશરે સાતેક કલાક પૂર્વે તેની કતલ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસના જણાવ્યા મુજબ, વેટરનરી ર્ડાક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. તેમજ બોરસદ શહેર પોલીસે પ્રાણી પ્રત્યે ક્રુરતા અને લોકલાગણી દુભાવવા અંગે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એકત્ર થયેલા લોકોએ આરોપીઓને કડક સજા અપાવવાની માંગ સાથે ગૌવંશના માથા સાથે બોરસદમાં રેલી કાઢવાની માંગ કરી હતી, જેને સ્થાનિક પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી નહતી. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે આક્ષેપો લગાવ્યા હતા કે, આણંદ જિલ્લા તથા કાઠીયાવાડ બાજુથી ગૌવંશને તારાપુર ચોકડીએ લાવવામાં આવે છે. ત્યાંથી બોચાસણ, વડેલી, ધર્મજ પહોંચીને અંતરિયાળ ગામડાઓના રસ્તે બોરસદના કસારી વિસ્તારમાં લાવવામાં આવે છે. ખેતરોમાં તૈયાર ઉભેલા કસાઈઓ ગણતરીની મિનિટોમાં ગૌવંશની હત્યા કરી માંસના પાર્સલ બનાવવામાં આવે છે. ત્યારબાદ સવારે ટુવ્હીલર પર હોટલો, હાટડીઓમાં પહોંચાડવામાં આવે છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
માથુ ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ
આ અંગે પેટલાદ સબ ડિવિઝનના ડીવાયએસપી પી.કે. દિયોરાએ જણાવ્યું હતું કે, એફએસએલની ટીમ અને ડોગસ્ક્વોડ બોલાવ્યા છે. ગાયનું માથું ક્યાંથી આવ્યું તે જાણવા માટે જિલ્લાભરની પોલીસને મેસેજ કરી દેવામાં આવ્યા છે. વધુમાં બોરસદમાં ચાલતા ગેરકાયદે કતલખાનાના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે, અમે કસાઈઓ સામે અનેક કેસ કરેલા છે. બોરસદમાં કતલખાના બંધ પણ કર્યા છે. ભૂતકાળમાં બાતમીના આધારે ૨૦ જેટલી ગાયોને જીવતી બચાવી લેવાઈ છે. જેમના નામ ખુલ્યા હતા તેની ધરપકડ કરાઈ છે. તેમજ આરોપીઓ પર પાસા પણ કર્યા છે.
ગૌવંશના માથાને સમાધિ આપી
ગૌવંશના માથાનું પીએમ કર્યા બાદ તેને વિશ્વ હિન્દુ પરિષદને સોંપવામાં આવ્યું હતું. જેથી કાર્યકરોએ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જીમખાનાના મેદાનમાં ખાડો ખોદી, પુષ્પો, અબીલ-ગુલાલ, કંકુ સાથે ગૌવંશના માથાને સમાધિ આપી હતી.