આણંદની શાળામાં વિદ્યાર્થિનીઓની સમસ્યા માટે ફરિયાદ બોક્સ મૂકાશે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
આણંદની  શાળામાં વિદ્યાર્થિનીઓની સમસ્યા માટે ફરિયાદ બોક્સ મૂકાશે 1 - image


- હાલમાં 4 શાળાઓમાં બોક્સ મૂક્યા

- દીકરીઓની ઓળખ જાહેર કર્યા વિના પોલીસની શી ટીમ સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવશે 

આણંદ : આણંદ શહેરની વિવિધ શાળાઓમાં દીકરીઓની સમસ્યા જાણવા માટે આણંદ પોલીસની શી(SHE) ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિવિધ શાળાઓમાં કમ્પલેન બોક્સ મુકવામાં આવશે. હાલમાં ચાર શાળામાં કમ્પલેન બોક્સ મૂકવામાં આવ્યા છે. જેનાથી રોડ રોમિયોનો ત્રાસ કે અન્ય બાબતે દિકરીઓ ફરિયાદ કરી શકશે. 

શાળા-કોલેજોની બહાર રોડ રોમિયોનો ત્રાસ તેમજ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતી દિકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. જો કે કિશોરીઓ બદનામી તથા ડરના કારણે ફરિયાદ કરતા મૂંઝાતી હોય છે ત્યારે આવી ઘટનાઓ કે પછી અન્ય કોઈ મૂંઝવણ અંગે જાહેરમાં આવ્યા વિના દિકરીઓ પોતાની ફરિયાદ કરી શકે તે માટે આણંદ શહેર પોલીસની શી-ટીમ દ્વારા એક અનોખી પહેલ કરી આણંદની વિવિધ શાળાઓમાં કમ્પલેન બોક્સ મુકવામાં આવી રહ્યાં છે. જેથી રોડ રોમિયોનો ત્રાસ હોય કે પછી અન્ય કોઈ સમસ્યા હોય દિકરીઓ જાહેરમાં આવ્યા વિના પોતાની ફરીયાદ લખીને આ કમ્પલેન બોક્સમાં નાખી શકશે. પોલીસની શી ટીમ દ્વારા દિકરીની ઓળખ જાહેર કર્યા વિના તેણીની આ સમસ્યાનું નિરાકરણ લાવશે.

જોકે, આણંદ શહેરની કસ્તૂરબા વિદ્યાલય, સાલ્વેશન આર્મી શાળા, ગામડીની પ્રાથમિક શાળા સહિત ચાર જેટલી શાળાઓમાં આણંદ શહેરની શી ટીમ દ્વારા કમ્પ્લેન બોક્સ મુકવામાં આવ્યા છે. 

શી-ટીમના ઈન્ચાર્જ જશીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અભિગમ મુજબ  આણંદ શહેરની દરેક શાળા અને કોલેજોમાં કમ્પ્લેન બોક્સ મુકવામાં આવશે. જેમાં વિદ્યાર્થિનીઓ પોતાની ફરીયાદ કરી શકશે. વિદ્યાર્થિનીઓના પ્રશ્નોના પોલીસની શી ટીમ દ્વારા નિકાલ માટે પ્રયાસ કરવામાં આવશે અને તેમાં ફરિયાદ કરનાર કિશોરની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. શાળા-કોલેજની સમસ્યા ઉપરાંત પોતાના પરિવારની સમસ્યા અંગે પણ વિદ્યાર્થિનીઓ કમ્પ્લેન બોક્સમાં ફરિયાદ મુકી શકશે. બાદમાં ત્રણથી ચાર દિવસે શી ટીમ દ્વારા દરેક શાળામાં મુકેલ કમ્પ્લેન બોક્સમાંથી ફરિયાદો મેળવ્યા બાદ સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નો હાથ ધરાશે.


Google NewsGoogle News