આણંદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો પર બેનરો હટાવવાનો ધમધમાટ
- આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે વહીવટી તંત્ર એલર્ટ
- 2 દિવસમાં જાહેર તથા ખાનગી મિલકતો પરથી બેનરો-હોર્ડિંગ્સો મળી કુલ 682 ચૂંટણીલક્ષી સાહિત્ય દૂર કરાયુ
આગામી તા.૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આણંદ જિલ્લામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈ આણંદ જિલ્લામાં આચારસંહિતા અમલી બની છે. ગુરૂવારે ચૂંટણી અંગેની જાહેરાત થતાં જ આચારસંહિતા અમલી બની હતી અને આચારસંહિતાને લઈ વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે જાહેર તથા ખાનગી મિલકતો ઉપર લગાવેલ બેનરો, હોર્ડિંગ્સ તથા પોસ્ટર દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સૌથી વધુ આણંદ વિધાનસભા મત વિસ્તારમાં ગતરોજ ૮૯ વોલપેઈન્ટીંગ, ૨૮ પોસ્ટર, ૪૧ બેનર તથા ૨૭ અન્ય મળી કુલ ૧૮૫ ચૂંટણીલક્ષી સાહિત્ય દુર કરાયા હતા. જ્યારે ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૧૨, બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૭, આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૧, ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૯૯, પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં ૫૯ અને સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાં ૯૯ ચૂંટણીલક્ષી સાહિત્ય દુર કરાયા હતા.
વિધાનસભાની ચૂંટણીને લઈ જિલ્લામાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે વહીવટી તંત્ર સજાગ બન્યું છે. આજે પણ જિલ્લાના વિવિધ સ્થળોએ ચૂંટણીલક્ષી સાહિત્ય દુર કરવાની કામગીરી જારી રહી હતી. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે અને જિલ્લામાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.