નાવલી-નાપાડ રોડ પર અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયો
- નશો કર્યો હોવાનું બ્લડ ટેસ્ટમાં ખુલ્યું
- અકસ્માત સર્જનાર નાપાડ તળપદના શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર
નાવલી-નાપાડ રોડ ઉપર ગત ગુરુવાર મોડી રાત્રિના સુમારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક અર્ટીગા કારના ચાલકે આગળ જઈ રહેલા બાઈક તથા સામેથી આવી રહેલા બે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.
આ અકસ્માતમાં અરવિંદ ઉર્ફે પીન્ટો જાદવ (રહે.ચકલાસી), જતીન લાલજીભાઈ હડીયા (રહે.સુરત), અંકિતા વાલજીભાઈ બલદાણીયા (રહે.મહુવા, ભાવનગર) અને ભરત ભાઈલાલભાઈ પરમાર (રહે.કસુંબાડ, બોરસદ)ના મોત નીપજ્યાં હતાં. અકસ્માત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કાર નાપાડ તળપદ ગામનો જેનીશ હુઝીસ પટેલ હંકારી રહ્યો હોવાનું ખુલ્યું હતું.આ ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કારચાલક જેનીશ પટેલની અટકાયત કરી તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ તેણે નશો કર્યો હોવાનું જણાયું હતું. જેથી ઈજાગ્રસ્ત જેનીશને આણંદની જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરાવતા નશો કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજાવનાર જેનીશ પટેલ વિરૂધ્ધ આણંદ ગ્રામ્ય પોલીસે માનવ વધની કલમનો ઉમેરો કરી બે દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.