આણંદ-વિદ્યાનગર રોડ પરના દબાણો પર બુલડોઝર ફેરવાયું
- ટ્રાફિકને અડચણરૂપ મોટા હોર્ડિંગ્સ દૂર કરાયા
આણંદ : છેલ્લા ઘણા સમયથી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ત્યારે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલ સાંજના સુમારે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આડેધડ ખડકાયેલ ગેરકાયદેસર લારી-ગલ્લા તેમજ ટ્રાફીકને અડચણરૂપ મોટા હોર્ડિંગ્સ ઉપર બુલડોઝર ફેરવી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
આણંદ શહેરની ટૂંકી ગલી, જૂના બસ મથક, સુપર માર્કેટ, જુના રસ્તા, રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો ખડકાયા છે. ટૂંકી ગલી તથા સુપર માર્કેટ સહિતના આસપાસના વિસ્તારમાં તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદે દબાણો ખડકાયા હોવાના આક્ષેપો ઉઠયા છે.
ત્યારે ગઈકાલ સાંજના સુમારે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આણંદ-વિદ્યાનગર રોડ પરના વૃંદાવન ગ્રાઉન્ડની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીની લારીઓવાળા દ્વારા ગેરકાયદેસર દબાણો ખડકવામાં આવ્યા હતા. ગત રોજ પાલિકાની ટીમે વૃંદાવન ગ્રાઉન્ડની આસપાસ ખડકાયેલ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે સાથે ટ્રાફીકને અડચણરૂપ મોટા હોર્ડિંગ્સ પણ હટાવવામાં આવ્યા હતા.