પેટલાદના માણેક ઓવરબ્રિજ પર ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત
- ટ્રક ચાલકે અચાનક લાઈન બદલતા
- સુરતના કતારગામમાં રહેતા બે ભાઈઓ બાઈક પર વેકેશન માણવા જઈ રહ્યા હતા
સુરતના કતારગામ ખાતે રહેતા હર્ષદભાઈ રવજીભાઈ આંબલીયા ગત સોમવારના રોજ નાના ભાઈ વિવેકને સાથે લઈ ગામડે વેકેશન માટે મોટરસાયકલ ઉપર આવવા નીકળ્યા હતા. સવારે મોટરસાયકલ પેટલાદ તાલુકાના માણેજ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે અચાનક જ કોઈપણ સાઈડ લાઈટ કે ઇશારો કર્યા વગર ટ્રકની લાઈન બદલતા ટ્રકની સાઈડનો ભાગ મોટરસાયકલ સાથે અથડાયો હતો. જેથી બાઈક ચાલક વિવેકભાઈએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં વિવેકભાઈ આંબલીયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હર્ષદભાઈને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ચાલક ટ્રક લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે હર્ષદભાઈ આંબલીયાએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.