આણંદમાં દશેરાએ 55 ફૂટ ઊંચા ગદાધારી રાવણનું દહન કરાશે
- આગ્રાના 14 કારીગરો દ્વારા પૂતળું બનાવવાનું શરૂ
- 20 વર્ષ બાદ પ્રથમ વખત રાવણ દહનનું સ્થળ બદલાયું લાંભવેલ રોડ ઉપરના મેદાનમાં રાવણ દહન થશે
આણંદ જિલ્લામાં નવરાત્રિ પર્વ શરૂ થાય ત્યારથી જ રાવણના પૂતળાં બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે. આણંદ શહેરમાં ૨૦ વર્ષથી આણંદ પંજાબી અરોરા સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ ઉજવાય છે. ચાલુ વર્ષે આગ્રાના ૧૪ જેટલા કારીગરો દ્વારા અંદાજિત ૫૫ ફૂટ ઊંચો અને ગદાધારી રાવણનું પૂતળું રૂપિયા ૧૦ લાખના ખર્ચે નિર્માણ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અરોરા સમાજ દ્વારા દશેરાના દિવસે બપોર પછી લક્ષ્મી ટોકિઝ આણંદથી શોભાયાત્રા નીકળશે. જેમાં ડીજે, ઘોડાગાડી, બેન્ડવાજા તથા રામચંદ્રજીનો પરિવાર, હનુમાનજી વાનરસેના સહિતની વેશભુષામાં સજ્જ બાળકો સહિત યુવક, યુવતીઓ જોવા મળશે. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને રાવન દહનના સ્થળે પહોંચશે.
છેલ્લા ૨૦ વર્ષથી આણંદના વ્યાયામ શાળા મેદાનમાં રાવણના પૂતળાના દહનની પરંપરા ચાલી આવતી હતી. પરંતુ ચાલુ વર્ષે સરકારી બાંધકામનું કામ ચાલતું હોવાથી લાંભવેલ રોડ ઉપર આવેલા એસ.કે સિનેમા સામેના મેદાનમાં રાવણ દહન કરવામાં આવનાર છે.