વિદ્યાનગરની હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થી ઝડપાયા
- નિષ્ઠા હોટલમાં રહેતા બે યુવકોના રૂમમાં મિત્રના જન્મદિવસની પાર્ટી માટે ભેગા થયા હતા
વિદ્યાનગરના મહેશ્વરી પેલેસ નજીક આવેલી નિષ્ઠા હોટલના રૂમમાં કેટલાક શખ્સો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસ ટીમે દરોડો પાડી એક રૂમમાંથી આઠ શખ્સોને વિદેશી દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી લીધા હતા. રૂમમાંથી વિદેશી દારૂ ભરેલી એક આખી બોટલ તેમજ અન્ય એક બોટલમાંથી ૨૦૦ એમએલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ઝડપાયેલ શખ્સોના નામઠામ અંગે પૂછતા તે, કશ્યપ રાકેશભાઈ સેવક, તીર્થ રાકેશભાઈ સેવક, સૌરભ જયેશભાઈ સેવક (ત્રણેય રહે.વાસદ), વ્રજ વિનયભાઈ ગજ્જર (રહે.આણંદ), દિવ્યરાજ હિતેન્દ્રસિંહ ડોડીયા (રહે.ધોળકા), રિકી મનસુખભાઈ ચાવડા, સૌરભગીરી પ્રકાશગીરી ગોસાઈ અને હિતેન લવજીભાઈ સોલંકી (ત્રણેય રહે.વિદ્યાનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા રવિવારે કશ્યપ સેવકનો જન્મદિવસ હોવાથી તમામ મિત્રો નિષ્ઠા હોટલમાં રહેતા રિકી અને હિતેનની રૂમ ખાતે એકત્ર થયા હતા અને ત્યાં પાર્ટીનું આયોજન કરાયું હતું. સાથે સાથે આ તમામ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોમાં એમએ, બીટેક સહિતના વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોવાનું ખુલવા પામ્યું છે.
આઠમાંથી માત્ર 7 વિદ્યાર્થીઓના ફોટા જાહેર કરાયા
વિદ્યાનગરની નિષ્ઠા હોટલના રૂમમાં વિદેશી દારૂની મહેફિલ માણતા ૮ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. જો કે પોલીસ દ્વારા માત્ર ૭ વિદ્યાર્થીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે અને તે પણ તમામ વિદ્યાર્થીઓના અલગ અલગ ફોટા છે. સામાન્ય બાઈક ચોરી જેવી ઘટનામાં આરોપી ઝડપાયા સમયે સામૂહિક ફોટોગ્રાફી કરાવતી પોલીસ દ્વારા આ પ્રકારે સાત અલગ અલગ વિદ્યાર્થીઓના ફોટા જાહેર કરાતા પોલીસની કામગીરી સામે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.