ખંભાતમાં કબ્રસ્તાન નજીકથી 8 જુગારી ઝડપાયા, 4 પલાયન
- સબજેલની પાછળ જુગારના અડ્ડા પર દરોડો
- 41 હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સોની શોધખોળ
ખંભાત શહેરમાં રહેતો સોહેલ ઉર્ફે કાંટો સબ જેલની પાછળ માણસો એક્ત્ર કરી જુગાર રમાડી રહ્યો હોવાની માહિતી ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગ સેલને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે સોમવારે મધ્યરાત્રિએ સબજેલ પાછળ આવેલા બાંદ્રાબુરઝ સીયા કબ્રસ્તાન નજીક ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે કોર્ડન કરીને આઠ શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે ચાર શખ્સો અંધારાનો લાભલઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે મોહમ્મદ સોહેલ ઉર્ફે કાંટો સરફરાઝઅલી સૈયદ, મોહંમદતોફીક ઉર્ફે અનુ ગુલામહુસેન મલેક, મોહસીન ઉર્ફે પા અલ્લારખા મલેક, મોઈન યુસુફખાન પઠાણ, ઈમરાન ઉર્ફે બાબા હમીદભાઈ શેખ, ઈરફાન હનીફભાઈ મનસુરી, રામદેવ રણછોડભાઈ માછી અને મોહમ્મદ આકીબ ઉર્ફે કંચન મોહમ્મદરફીક શેખ હોવાનું જણાવ્યું હતું.
જ્યારે ફરાર થઈ ગયેલા શખ્સો મુજાહીદ કુરેશી, મોઈન ઉર્ફે મંડઈ ઉર્ફે ચોર, સબ્દર જહીરહુસેન શેખ અને શબ્બીરખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગઝડતી અને દાવ પરથી મળી રોકડા રૂા.૧૫૪૪૦, ૬ નંગ મોબાઈલ તથા કોઈન મળી કુલ રૂા.૪૧,૮૪૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સોને ખંભાત શહેર પોલીસને હવાલે કરતા પોલીસે તમામ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.