કોંગ્રેસના પક્ષપલટુ પ્રમુખ સામે ખંભાત પાલિકાના ભાજપના 6 સહિત 8 કાઉન્સિલરોના રાજીનામાં
- પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર મનસ્વી નિર્ણયો લેતા હોવાનો આક્ષેપ
- ઉપપ્રમુખ,મેનેજિંગ કમિટીના ચેરમેને રાજીનામું આપતા ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો : આજે મળનારી સામાન્ય સભામાં ભાજપ બહુમતી ગુમાવે તેવી સ્થિતિ
ખંભાત નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી છે.ગત ચૂંટણીમાં ભાજપે સભ્યોની નારાજગી હોવા છતાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા દિગ્વિજયસિંહ પરમારને ખંભાત પાલિકા પ્રમુખ બનાવતા ભાજપના જૂના કાર્યકરો અને નગરસેવકોમાં વિવાદ શરૂ થયો હતો. ભાજપે ચાર અપક્ષોની મદદથી સત્તા મેળવી હતી. છેલ્લા બે વર્ષથી ખંભાત પાલિકામાં પ્રમુખની કામગીરી, મનસ્વી નિર્ણયો, અનેક કામોમાં ગેરરીતિ સહિતના આક્ષેપો સાથે નગરસેવકોએ જિલ્લા ભાજપ સંગઠનને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. છતાં સંગઠન દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા પ્રમુખ સામે નારાજગી અને અસંતોષથી રોષે ભરાયેલા ભાજપના છ અને ભાજપને સમર્થન આપનારા અપક્ષના બે કાઉન્સિલરોએ સોમવારે પાલિકાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા તા.૨૬ નવેમ્બરને મંગળવારે પાલિકાની સાધારણ સભા બોલાવવામાં આવી છે. ત્યારે સાધારણ સભા પહેલા જ પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા અને મેનેજિંગ કમિટિના ચેરમેન જીતેન્દ્રભાઈ ખારવા સહિત ૮ કાઉન્સિલરોએ રાજીનામું આપી દેતા દોડધામ મચી હતી. ખંભાત નગરપાલિકાના કુલ ૯ વોર્ડમાં ૩૬ કાઉન્સિલરો ચૂંટાયા છે. ભાજપમાંથી ૧૮ સભ્યો જીત્યા હતા, જ્યારે કોંગ્રેસમાંથી ૧૪ સભ્યો જીત્યા હતા. જેથી ભાજપે અપક્ષના ચાર સભ્યોના સમર્થનથી સત્તા મેળવી હતી. તેવામાં અચાનક આઠ સભ્યોએ રાજીનામાં આપી દેતાં હાલ ભાજપ પાતળી બહુમતીમાં આવી ગઈ છે. હાલમાં ભાજપ પાસે ૧૪ અને કોંગ્રેસ પાસે ૧૩ સભ્યો છે, ત્યારે મંગળવારે યોજાનારી સાધારણ સભામાં ભાજપના એક-બે સભ્યો ગેરહાજર રહે તો સાધારણ સભામાં ભાજપ બહુમતી ગુમાવી દે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખંભાત ભાજપ સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે.
પ્રમુખના મળતિયાઓ દ્વારા પાલિકાનો વહીવટ કરવામાં આવે છે : કાઉન્સિલરો
ખંભાત પાલિકામાંથી રાજીનામું આપનારા કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, પાલિકાના પ્રમુખ દ્વારા વિકાસના કામોમાં મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. પાલિકાના સભ્યોને કંઈપણ પુછવામાં આવતું નથી. માત્ર પ્રમુખના વચેટિયાઓ અને મળતિયાઓ દ્વારા જ પાલિકાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. પાલિકાના ચૂંટાયેલા સભ્યોના વોર્ડમાં વિકાસની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવતી નથી. પાલિકાના દરેક કામોમાં ગેરરીતિ થઈ રહી છે. જેથી કંટાળીને અમે રાજીનામાં આપી દીધા છે.
પ્રમુખે સંગઠનની સંકલન સમિતિ ન બોલાવતા કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યા : શહેર ભાજપ પ્રમુખ
આ અંગે ખંભાત શહેર ભાજપ પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાલ જે સ્થિતિ સર્જાઈ છે, તેમાં સભ્યોને મનાવી લેવામાં આવશે. પ્રમુખે પણ સાધારણ સભા પહેલા સંગઠનની સંકલન સમિતિ બોલાવી નથી. જેથી પાલિકાના સભ્યોએ પોતાના કામો લીધા ન હોવાનું અમને જણાવ્યું છે. સાધારણ સભા અંગે સંગઠનને કોઈપણ જાણ કરાવી નથી અને મનસ્વી રીતે સાધારણ સભા બોલાવી છે. તેમ છતાં સંગઠન દ્વારા રાજીનામું આપનારા સભ્યો સાથે બેઠક કરીને તેમને રાજીનામું પાછું ખેંચી લેવા સમજૂતી કરવામાં આવશે.
શુક્રવારે કોંગ્રેસના કાઉન્સિલરે રાજીનામું આપ્યું હતું
ખંભાત પાલિકામાં વોર્ડ નં.૬માંથી જીતેલા કોંગ્રેસના કાઉન્સિલર ઈફતેખાર એમ. યમનીએ પણ ગત તા.૨૨ નવેમ્બરના રોજ આણંદ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને પાલિકાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપનારા કાઉન્સિલરો
કાઉન્સિલરનું
નામ |
પક્ષ |
હેતલબે
કરસનભાઈ ભીલ |
ભાજપ |
કામિનીબેન
હિરેનકુમાર ગાંધી |
ભાજપ |
નિશાદબાનુ
એમ. મન્સૂરી |
ભાજપ |
તેજલબેન
સાગરકુમાર સોલંકી |
ભાજપ |
સુનિતાબેન
રાજુભાઈ |
ભાજપ |
ઉષાબેન
પી. બારૈયા |
ભાજપ |
જીતેન્દ્રભાઈ
ખારવા |
અપક્ષ |
શાંતાબેન
ભુપતભાઈ માછી |
અપક્ષ |