નાપા તળપદથી આંગણવાડીના બાળ આહારના 779 નંગ પેકેટ ઝડપાયા
- રહેણાંક મકાનમાંથી રૂ. 50 હજારનો જથ્થો મળ્યો
- લાભાર્થી પાસેથી ખરીદ્યો હોવાની ઝડપાયેલા શખ્સની કબુલાત : પોલીસે વધુ તપાસ આદરી
આણંદ : આણંદ જિલ્લાના બોરસદના નાપા તળપદ ગામે આવેલા કાજીવાડામાં નવી મસ્જીદવાળા ફળીયામાં ભંગારના વેપારીના રહેણાંક મકાનમાંથી બોરસદ ગ્રામ્ય પોલીસે આંગણવાડીના બાળકોને અપાતા વિવિધ પોષણયુક્ત આહારના કુલ-૭૭૯ નંગ પેકેટનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે રૂા.૫૦ હજાર ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો ક્યાંથી લવાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.
બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમને શુક્રવારે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે નાપા તળપદ ગામે કાજીવાડામાં નવી મસ્જીદવાળા ફળીયાના એક મકાનમાં આંગણવાડીના બાળકોને અપાતા બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ જેવા પુરક પોષણ આહારનો જથ્થો રાખ્યો છે. જેથી પોલીસે બોરસદ બાળ વિકાસ યોજનાના અધિકારી માલતીબેન પઢીયારને સાથે રાખી બોરસદના કાજીવાડામાં મસ્જીદવાળા ફળિયામાં જાકીરમીયા ઉર્ફે જાકીર ભંગારી બચુમીયા કાજીના મકાન ખાતે દરોડો પાડયો હતો.
જ્યાં જાકીરમીયા ઉર્ફે જાકીર ભંગારી હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખી મકાનની તલાશી લેતા અંદરના ઓરડામાં રાખેલા એક મીણીયાની થેલીમાંથી બાળકોને અપાતા પુરક પોષણ આહાર બાલશક્તિના ૪૫૯ નંગ પેકેટ (કિં.રૂા.૨૭,૫૪૦), માતૃશક્તિના ૧૪૦ નંગ પેકેટ (કિં.રૂા.૯,૯૪૦) અને પૂર્ણાશક્તિના ૧૮૦ નંગ પેકેટ (કિં.રૂા.૧૨,૭૮૦) મળી આવ્યા હતા.
જેથી પોલીસે બાળ વિકાસ અધિકારી મારફતે તપાસ કરાવતા આ પેકીંગો ઉપર મારેલા કોડ ઉપરથી આ જથ્થો બાળ આહાર આણંદ જિલ્લાની પ્રોડક્ટ હોવાનું જણાયું હતું. પોલીસે જાકીરમીયાને આ જથ્થા અંગે પુછપરછ કરતા આ જથ્થો તેણે આંગણવાડી વર્કર પાસે ખરીદ્યો નથી પણ લાભાર્થી પાસેથી પૈસા આપી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી બોરસદ ગ્રામ્ય પોલીસે બાળ આહારના કુલ-૭૭૯ પેકેટ (કુલ કિં.રૂા.૫૦,૨૬૦) જપ્ત કરી જથ્થો આપનારની વધુ તપાસ હાથ ધરી હતી.