આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરી સાથે 7 શખ્સો ઝડપાયા
- ભાલેજ, વાસદ, પેટલાદ, આંકલાવ તથા બોરસદમાં દરોડા
- પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 46 થી વધુ ફિરકા સાથે પોલીસે આરોપીને પકડી પાડયા
ભાલેજ પોલીસની ટીમે બાતમીના આધારે શેખવાડા બજારમાં ઓચિંતી તપાસ હાથ ધરી અસ્ફાકખાન વારીસખાન પઠાણને ચાઈનીઝ દોરીની એક નંગ ગરગડી સાથે ઝડપી પાડયો હતો. જ્યારે વાસદ પોલીસે રાજુપુરા ટેકરાવાળા ફળિયા નજીકથી બુધાભાઈ કનુભાઈ પરમારને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડયો હતો.
ઉપરાંત માંડવાપુરા રોડ પરથી વડોદરાના ફાજલપુરના અજયભાઈ કેસરીસિંહ પઢિયારને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડયો હતો. જ્યારે પેટલાદ શહેર પોલીસે પાળજ ગામના જશુપુરાના અભા ફળિયામાં છાપો મારી ગોવિંદભાઈ ઉર્ફે પપ્પુ વિનુભાઈ પરમારને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૬ નંગ ફીરકી સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.
સાથે સાથે પેટલાદના દેવકુવા વિસ્તારમાં લીમડી ફળિયા ખાતે રહેતા શાહરુખ ઉર્ફે સારકો કરીમમીયાં મલેકને પણ પોલીસે ચાઈનીઝ દોરીની એક નંગ ફીરકી સાથે ઝડપી પાડયો હતો. બોરસદ શહેર પોલીસની ટીમે બોરસદ-તારાપુર રોડ પર આવેલી અનમોલ હોટલ નજીકથી કલ્પેશભાઈ ગોપાલભાઈ ઠાકોર (રહે.બોરસદ, બોરડીવાળું ફળીયું)ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૧૪ નંગ ફીરકીઓ સાથે ઝડપી પાડયા હતા.
આંકલાના હઠીપુરા રોડ ઉપર ઝંડા સીમ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ ભનુભાઈ ચૌહાણને આંકલાવ પોલીસે ૬ નંગ ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.