Get The App

સરદાર પટેલ યુનિવર્સિટીનો 66 મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયા

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
સરદાર પટેલ યુનિવર્સિટીનો 66 મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયા 1 - image


- કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્યપાલ સહિતના ઉપસ્થિત રહ્યા

- 106 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા 15,753 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

આણંદ : વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬મા વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેલ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે નવસ્નાતકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે કઠીનમાં કઠીન લક્ષ રાખશો તો તે પરિપૂર્ણ થશે. તત્કાલીન અસફળતાથી નિરાશ ન થશો. સફળતાની શરૂઆત અસફળતાથી જ થાય છે. અસફળતા બાદ સફળતા ચોક્કસ મળશે જ. 

સરદાર પટેલ યુનિવર્સિટીના આજે યોજાયેલ ૬૬મા દિક્ષાંત સમારોહમાં ૧૧ વિદ્યાશાખાઓના ૧૦૬ તેજસ્વી તારલાઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિવિધ વિદ્યાશાખાઓના ૧૫,૭૫૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે દિક્ષાંત પ્રવચન આપતા સરદાર સાહેબની આ પવિત્ર ભૂમિને નમન કર્યા હતા અને સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્ત્વ જ ન હોત તેમ જણાવ્યું હતું. 

દિક્ષાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ગૌરવની લાગણી અનુભવતા તેઓએ ડિગ્રીધારકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના અમૃતકાળમાં અમૃત સંકલ્પ લેવો જોઈએ અને આ સંકલ્પ પોતાના વ્યક્તિત્વને ઘડવાનો હોવો જોઈએ. નાનામાં નાનો સંકલ્પ લો પરંતુ આ સંકલ્પનું જીવનપર્યંત પાલન કરશો તો ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા આ દેશના નાના-નાના સંકલ્પો મળી દેશ ૧૩૦ કદમ આગળ વધશે અને વિકસિત ભારત બનશે. 

ભાઈકાકા અને સરદાર પટેલે સ્થાપેલ યુનિ.માંથી દિક્ષા મેળવતા વિદ્યાર્થીઓને તેઓએ સરદાર સાહેબ તથા ભાઈકાકાનું ઋણ રાખવા જણાવ્યું હતું. તેઓએ  રાષ્ટ્રીય શિક્ષા નિતી-૨૦૨૦ અનેક રીતે લાભદાયી બનશે અને શિક્ષણનું ચિત્ર બદલાઈ જશે અને દરેક માટે લાભદાયી બનશે.

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ અને સરદાર પટેલ યુનિ.ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ડિગ્રી ધારકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે પ્રેરણાનો દિવસ છે. ક્રાંતિકારીઓએ આહૂતિ આપી દેશને આઝાદી અપાવી છે ત્યારે આપણે સૌએ વિકસિત ભારત બનાવવા માટે સહભાગી બનવાનું છે. 

તેઓએ ડિગ્રી ધારકોને જે ક્ષેત્રમાં ડિગ્રી મેળવી છે તેના ઉપયોગ થકી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રાસંગોપચિત પ્રવચન કર્યું હતું.

વિદ્યાર્થીઓએ એકથી વધુ મેડલો મેળવ્યો

સ.પ.યુનિ.ના ૬૬માં દિક્ષાંત સમારોહમાં એમસીએ વિદ્યાશાખામાં સુમીત ભુપેન્દ્રભાઈ ચાવલાએ પાંચ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા જ્યારે બી.કોમ વિદ્યાશાખામાં તન્વી પરમાનંદભાઈ કેલવાણીએ અને એમબીબીએસમાં જીલ ભરતભાઈ ઠક્કરે ચાર-ચાર ચંદ્રક મેળવ્યા હતા. જ્યારે એમએસસીમાં ઉર્મીલ છેડા અને દિપીકા ભુડીયા તેમજ બીએસસીમાં વૃતાંશી પટેલે ત્રણ-ત્રણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે સંશોધન ક્ષેત્રે વિવિધ સંશોધન પેપરો રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને દાદાભાઈ નવરોજી અને સરદાર પટેલ રીસર્ચ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

શૈક્ષણિક સમારોહને રાજકિય રંગ અપાયો

વિદ્યાનગરની સ.પ.યુનિ.ના પદવીદાન સમારોહમાં ભાજપના ડેલીગેટ્સને નિમંત્રણ આપી શૈક્ષણિક સમારોહને રાજકીય રંગ આપવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આણંદ ખાતે પધારનાર હોઈ સમિયાણામાં મંચની નજીક બીજેપી ડેલીગેટ્સ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને જિલ્લાના ભાજપી અગ્રણીઓએ ત્યાં સ્થાનગ્રહણ કર્યું હતું. જો કે અમિતભાઈ શાહનું પ્રવચન પૂર્ણ થતાંની સાથે સમિયાણામાં અગ્રસ્થાને બિરાજીત મોટાભાગના ડેલીગેટ્સે ઉભા થઈ શમિયાણાની બહાર પ્રયાણ કરતા ઉપસ્થિતિમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. 

શિલ્ડ એનાયત સમયે ગોટાળા વાગ્યા

યુનિ.ના પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહ મંત્રી તથા કુલાધિપતિના હસ્તે સુવર્ણચંદ્રકો એનાયત કરવા સમયે ઉપસ્થિતોમાં ભારે નિરસતા જોવા મળી હતી. તો બીજી તરફ યુનિ.ના રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવતા સુવર્ણચંદ્રકધારકોના નામ તથા આમંત્રિત મહેમાનોના હસ્તે અપાતા શિલ્ડ વચ્ચે સંકલન ન જળવાતા વ્યવસ્થામાં છબરડા રહ્યા હોવાનું ચર્ચાયું હતું. સાથે સાથે  શિલ્ડ એનાયત કરવામાં પણ ગોટાળા થતા કેન્દ્રિય ગૃહમંત્રી મંચ પરથી વ્યવસ્થાપકોને ટકોર કરતા પણ સાંભળવા મળ્યા હતા.

પદવીદાન સમારંભમાં અનેક પરંપરાઓ તૂટી

સરદાર સાહેબના નિર્વાણ દિન ૧૫ ડિસેમ્બરે યોજાતા સરદાર પટેલ યુનિ.ના પદવીદાન સમારોહની ચાલુ વર્ષે પરંપરા તૂટવાની સાથે સાથે બીજી અનેક પરંપરાઓ તૂટી છે જેમાં આજના પદવીદાન સમારોહને ટૂંકાવતા કા.કુલપતિએ વાર્ષિક અહેવાલ વિના પોતાનું ભાષણ ટૂંકાવ્યું હતું. સાથે સાથે અલગ અલગ ફેકલ્ટીના ડીન દ્વારા કુલાધિપતિ સમક્ષ સ્નાતકો માટે ડિગ્રી એનાયત કરવાની કરાતી વ્યક્તિગત અરજના બદલે સામુહિક અરજ મુકી ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હોવાની ચર્ચાઓ શિક્ષણવિદેમાં સાંભળવા મળી હતી.

કેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યા

અનુ નં.

વિદ્યાશાખા

ગોલ્ડમેડલ

આર્ટસ

૨૨

સાયન્સ

૪૨

એન્જી. એન્ડ ટેકનો.

૦૨

કોમર્સ

૦૮

મેનેજમેન્ટ

૦૪

લો

૦૩

એજ્યુકેશન

૦૫

હોમ સાયન્સ

૦૬

હોમીયોપેથી

૦૦

૧૦

ફાર્મા. સાયન્સ

૦૨

૧૧

મેડીસીન

૧૨

 

કુલ

106


Google NewsGoogle News