ડીઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 શખ્સો ઝડપાયા
- ઓડ ચોકડી પાસે વોચ ગોઠવી પકડયા
- 25 કેરબાઓમાંથી 875 લિટર ડીઝલ, ફોન સહિત રૂ. 20.90 લાખનો મુદ્દામાલ કબજે
આણંદ એલસીબી પોલીસની ટીમ મંગળવારે નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એકાંતમાં આવેલા પેટ્રોલ પંપના સ્ટોરેજમાંથી આંતરરાજ્ય ગેંગના કેટલાક સાગરીતો ડીઝલની ચોરી કરવા આણંદ પંથકમાં ફરતા હોવાનું અને હાલ ઓડ ચોકડી નજીક આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ ઓડ ચોકડી ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
દરમિયાન બાતમીદારના વર્ણન મુજબની એક ટ્રક આવી ચઢતા પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકમાં સવાર ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ટ્રકની પાછળના ભાગે લગાવેલી તાડપત્રી ખોલી તપાસ કરતા ડીઝલ ભરેલા પ્લાસ્ટીકના ૨૫ કેરબા મળી આવ્યા હતા. સાથે સાથે પંપ તથા પાઈપ પણ મળી આવી હતી. જે અંગે પોલીસે પૂછપરછ કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. પોલીસે ઝડપાયેલાઓના નામઠામ અંગે પૂછપરછ કરતા તે રાજેન્દ્ર સહાજી કાશીનાથ કાલે, રામા પાનીયા પવાર, ગણેશ બાળુબાબુ પવાર અને ગણેશ નાનાબાજીરાવ પવાર (તમામ રહે. મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. તેમની કડકાઈથી પૂછપરછ કરતા કેરબાઓમાંથી મળી આવેલંધ ડીઝલ ચોરીનું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કેરબામાંથી કુલ ૮૭૫ લીટર ડીઝલ, બે મોબાઈલ, પંપ તથા ટ્રક મળી કુલ રૂા.૨૦,૯૦,૩૨૫નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પેટ્રોલપંપના સ્ટોરેજમાં પંપ મૂકી ડિઝલ ચોરતા હતા
ડીઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના આ ચાર શખ્સો ટ્રાન્સપોર્ટનો માલ ટ્રકમાં ભરી લાવી જે તે સ્થળે માલ ખાલી કરી તે વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપની રેકી કરતા હતા અને જે પેટ્રોલ પંપની આસપાસમાં હોટેલ કે રહેણાંક વિસ્તાર હોય તેવા પેટ્રોલ પંપ પસંદ કરી રાત્રે પેટ્રોલ પંપના સ્ટોરેજમાં પંપ મુકી ડીઝલની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
અલગ અલગ રાજ્યોના પંપને નિશાન બનાવતા હતા
પોલીસે ઝડપેલા ચારેય શખ્સોની પૂછપરછ કરતા દોઢેક માસ પૂર્વે સારસા મોટી ચોકડી નજીક એક પેટ્રોલ પંપના સ્ટોરેજમાં પંપ મુકી ૧ હજાર લીટર ડીઝલ તેમજ જંબુસર હાઈવે ઉપર, ચોટીલા હાઈવે, નંદુરબાર-મહારાષ્ટ્ર હાઈવે તથા ઢુંઢાઈ-મહારાષ્ટ્ર હાઈવે ઉપર આવેલ અલગ અલગ પેટ્રોલ પંપના સ્ટોરેજમાં પંપ મુકી ડીઝલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા શખ્સો પૈકીના ત્રણ શખ્સો અગાઉ ઔરંગાબાદ ડીઝલ ચોરીના ચાર ગુનામાં અને સાલાપુરમાં બે ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું હતું.