Get The App

નાવલી-નાપાડ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
નાવલી-નાપાડ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત 1 - image


- પુરઝડપે આવેલી કારે 3 બાઈકને અડફેટે લીધી

આણંદ : આણંદ જિલ્લાના નાવલી-નાપાડ રોડ ઉપર ગુરૂવારે મધ્યરાત્રે એક અર્ટીગા કાર તથા ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે  અન્ય ત્રણ બાઈકને અડફેટે લેતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

3 જણાને ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ

આણંદ તાલુકાના વાંસખીલીયા ગામે રહેતા અરવિંદભાઈ મનુભાઈ પરમારનો સાળો અરવિંદ ઉર્ફે પિન્ટો ગુરૂવારે સાંજે બાઈક લઈને વાંસખીલીયા ખાતે આવ્યો હતો. જમી પરવારી સાળો-બનેવી બંને બાઈક લઈને દાવોલ ગામે ગાડી જોવા નીકળ્યા હતા. રસ્તામાં અંધારીયા ચકલા નજીક સાળા પિન્ટોના બે મિત્રો અન્નો તથા સાગર મળ્યા હતા અને તેઓ પણ અન્ય એક બાઈક ઉપર સવાર થઈ સાથે દાવોલ જવા નીકળ્યા હતા. 

ચારેય વ્યક્તિઓ બે અલગ અલગ બાઈક ઉપર સવાર થઈ નાવલી ગામનું બસ સ્ટેન્ડ પાર કરી દહેમી તરફ આગળ વધી રહ્યાં હતા. ત્યારે પાછળથી પૂરઝડપે આવી ચઢેલી એક અર્ટીગા કારના ચાલકે સાળો-બનેવી જે બાઈક ઉપર સવાર હતા તેને ટક્કર મારી હતી. બેફામ ધસી આવેલા કારે સામેથી આવી રહેલી અન્ય બે બાઈકોને પણ ટક્કર મારતા ત્રણેય બાઈક ઉપર સવાર કુલ સાત વ્યક્તિઓ રોડ ઉપર ફંગોળાયા હતા. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં અરવિંદ ઉર્ફે પિન્ટોના માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે  જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે બાઈક પૈકી એક બાઈક પર સવાર દંપતી તેમજ અન્ય બાઈક ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિકોએ અકસ્માાત અંગે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઈ પરમાર તથા બે પુરુષ અને અન્ય બે મહિલાને તુરત જ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે ગંભીર રીતે ઘવાયેલા જતીનભાઈ તથા અંકીતાબેનનું પણ મોત નિપજ્યું હતું. 

સાથે સાથે આ અકસ્માતમાં કસુંબાડ ગામના ભરતભાઈને પણ માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતા તેઓનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સવાર આયુષીબેન ઈજાગ્રસ્ત થયાં હતાં. બીજી તરફ અકસ્માત બાદ કારનો ચાલક કારને ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. 

આ બનાવ અંગે અરવિંદભાઈ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના ખિસ્સામાંથી 5 જીવતા કારતૂસ મળ્યા !

નાવલી-નાપાડ રોડ ઉપર ગઈકાલ મોડી રાતના સુમારે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં મોતને ભેટનાર અરવિંદ ઉર્ફે પિન્ટો જાદવના ખિસ્સામાંથી પાંચ જીવતા કારતૂસ મળી આવતાં પોલીસે તે કબ્જે કર્યા હતા. અકસ્માતમાં ચારનાં મોત થતા તેમજ અરવિંદ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળવાની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસને કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. 

આ ઘટનાને લઈ આણંદ રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા કાર ચાલક નાપાડ તળપદનો જેનીશ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેને પણ ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.


Google NewsGoogle News