તમાકુની ખળીના માલિકને બંધક બનાવી હથિયારની અણીએ 4 લાખ રોકડની લૂંટ
- પેટલાદના દંતેલી- વડદલા રોડ ઉપર આવેલી
- મોડી રાતે ચાર બુકાનીધારીઓ લૂંટને અંજામ આપી પલાયન : ડૉગ- સ્ક્વૉડ સહિત પોલીસની ટીમોનો તપાસનો ધમધમાટ : લૂંટારૃઓએ હિન્દી ભાષામાં રોકડની માંગણી કરી : ખળી માલિકને સારવાર માટે ખસેડાયા
પેટલાદ તાલુકાના દંતેલી વડદલા રોડ ઉપર પોતાની તમાકુની ખળીમાં રહી રમેશભાઈ ડાયાભાઈ પટેલ તમાકુની લે-વેચનો ધંધો કરે છે. ગઈકાલ રાતે રમેશભાઈ પટેલ તમાકુની ખળી ખાતેની ઓફિસમાં નિંદ્રાધીન હતા. દરમિયાન રાત્રિના બે કલાકની આસપાસ અજાણ્યા ચાર બુકાનીધારી શખ્સોએ ખરીમાં પ્રવેશ કરી રમેશભાઈને બંધક બનાવ્યા હતા. બુકાનીધારીઓએ રમેશભાઈને તિક્ષ્ણ હથિયાર બતાવી હાથ- પગ વાયર વડે બાંધી દઈ તેઓની પાસે જે કંઈ રોકડ હોય તે આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ લૂંટારુંઓએ રૃમમાંથી રૃપિયા ચાર લાખની રોકડ તથા રમેશભાઈના રૃા. ૮૦ હજારના મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાને લઇ રમેશભાઈ ગભરાઈ ગયા હતા અને માંડ છુટકારો મેળવી ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ખળીમાં રહેતા અન્ય મજૂરોને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આજે સવારે તેઓએ આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. રમેશભાઈ પટેલને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસ દ્વારા ડોગ સ્કોડ, એફએસએલ સહિત એલસીબી તથા એસઓજીની ટીમો દ્વારા વિવિધ મુદ્દાને લઈ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
રમેશભાઈના જણાવ્યા મુજબ, બુકાનીધારીઓ એકબીજા સાથે હિન્દી ભાષામાં વાતો કરતા હતા અને તેમની પાસે રોકડની માંગણી પણ હિન્દીમાં કરી હતી. લૂંટારુઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ટેબલના ડ્રોવરમાં મુકેલી રોકડા મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.