આણંદ જિલ્લાની 32 ગ્રામ પંચાયત, 5 પાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની શક્યતા
- છેલ્લા બે વર્ષથી વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે
- ઓબીસી અનામત બેઠકોને લઈ ખોરંભે પડેલી ચૂંટણીઓ હવે ઓબીસી અનામતનો મુદ્દો ક્લીયર થતાં જ ચૂંટણી યોજવાની તજવીજ હાથ ધરાઇ
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લામાં આવેલ ૩૫૧ ગ્રામ પંચાયતો પૈકી વર્ષ ૨૦૨૧માં ૧૮૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જો કે આણંદ તાલુકાની ૧૭, ઉમરેઠ તાલુકાની ૧૨ અને આંકલાવ તાલુકાની ૩ ગ્રામ પંચાયતો મળી કુલ ૩૨ ગ્રામ પંચાયતોની મુદ્દત ગત ફેબુ્રઆરી, ૨૦૨૨માં પૂર્ણ થઈ જતા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ હતી.
પરંતુ તંત્ર વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત થઈ જતા ગ્રામ પંચાયતો ખાતે વહીવટદાર મુકી દેવાયા હતા. વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત મતદાર યાદી પ્રસિધ્ધ કરવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. જો કે ગ્રામ પંચાયતોમાં અનામત બેઠક બાબતે કાર્યવાહી અને અમલીકરણ અંગે નિર્ણય ન થતા થોડા સમય માટે ચૂંટણી સંદર્ભે કામગીરી બંધ કરાઈ હતી.
બાદમાં લોકસભાની ચૂંટણીની ચહલપહલ શરૂ થતાં પુનઃ એકવાર ગ્રામપંચાયતોની ચૂંટણી કામગીરીમાં બ્રેક વાગી ગઈ હતી. જેને લઈ ગ્રામજનો છેલ્લા બે વર્ષથી ચૂંટણી રાહ જોઈ રહ્યા છે. જો કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા પરિણામ પણ જાહેર થઈ જતા હવે ૩૨ ગામોમાં વહેલી તકે ચૂંટણી યોજાય તેવી ગ્રામજનોની માંગ છે.
ઉલ્લેખનીય છે કે ૩૨ ગામોમાં વહીવટદારના શાસનને પગલે કેટલાક ગામોમાં રોજીંદા કામકાજ સહિતના નિર્ણાયક કામો અટકી પડયા હોવાનો સૂર જાગૃતોએ વ્યક્ત કર્યો છે.
સાથે સાથે જિલ્લાની વિદ્યાનગર, કરમસદ, ઓડ, આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયાને પણ લગભગ એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ઓબીસી અનામતને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.
હાલમાં ઉક્ત નગરપાલિકાઓમાં પણ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. આગામી નવેમ્બર માસ દરમ્યાન ચૂંટણી યોજાવાની શક્યતાને પગલે ગ્રામ્ય કક્ષાએ ફરી એકવાર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી નવેમ્બર માસમાં આણંદ જિલ્લાના ૩૫૧ ગામો પૈકી આણંદ તાલુકાના ૧૭, ઉમરેઠ તાલુકાના ૧૨ અને આંકલાવ તાલુકાના ૩ ગામોમાં આગામી નવેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે આણંદ તાલુકાના અજરપુરા, આજુપુરા, ખંભોળજ, ખાંધલી, ખાનપુર, ગાના, ત્રણોલ, નાપાડ તળપદ, નાવલી, મોગર, મોગરી, રાજુપુરા, રાવળાપુરા, વઘાસી, વલાસણ, વાસદ, સદાનાપુરા તેમજ ઉમરેઠ તાલુકાના વણસોલ, સરદારપુરા, ધોળી, ભરોડા, પરવટા, હમીદપુરા, પણસોરા, ખાખણપુર, ઉંટખરી, ઝાલાબોરડી, સૈયદપુરા, દાગજીપુરા તથા આંકલાવ તાલુકાના નાની સંખ્યાડ, મોટી સંખ્યા અને કંથારીયા ગામોમાં રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.
ઓબીસી અનામતને મુદ્દે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી
આણંદ જિલ્લાની વિદ્યાનગર, કરમસદ, આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયાને એક વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા પામ્યો છે. જો કે ઓબીસી અનામતને મુદ્દે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જેને લઈ નગરપાલિકામાં ઘણાં ખરા કામો ખોરંભે પડયા છે અને વહીવટદારના શાસનને લઈ વિકાસના કામો પણ મંદ ગતિએ ચાલી રહ્યા હોવાનો સુર વ્યાપ્યો છે.