બોરસદના ઝારોલા ગામે અકસ્માતમાં કારમાં સવાર 3 મિત્રોના મોત
- બાઇકને ટક્કર મારી કાર ટ્રકમાં ઘુસી ગઇ
- બાઇક સવાર ત્રણને ગંભીર ઇજા, જંત્રાલ ગામે ત્રણેય મિત્રોની એક સાથે સ્મશાનયાત્રા નિકળતા ગામ હિબકે ચઢ્યું
આંકલાવ તાલુકાના ગંભીરા ગામે રહેતા જયેશભાઈ રવાભાઈ રબારી ગત રોજ રાત્રિના સુમારે મોટરસાયકલ ઉપર પિતા રવાભાઈ તેમજ મામા શંકરભાઈને બેસાડી બોરસદ તાલુકાના કણભા ગામે માતાજીના માંડવામાં ગયા હતા.
જ્યાંથી માતાજીના દર્શન કરી તેઓ પરત ગંભીરા આવવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રિના સુમારે તેઓની મોટરસાયકલ ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રાસ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર ત્રણેય શખ્સો રસ્તા ઉપર ફંગોળાયા હતા અને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.
બીજી તરફ મોટરસાયકલને ટક્કર માર્યા બાદ કાર સામેથી આવતી રેતી ભરેલ એક ટ્રકમાં ઘુસી જતા કારનો લોચો વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય શખ્સોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા અને આ બનાવ અંગે ૧૦૮ તેમજ ભાદરણ પોલીસને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત મોટરસાયકલ પર સવાર જયેશભાઈ, રવાભાઈ તેમજ શંકરભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
પોલીસે કારમાં ફસાયેલા ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી ભારે જહેમત બાદ કારના પતરા કાપી ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટ્રકની અંદર ફસાઈ ગયેલ કારને કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. જેસીબી મશીનથી ટ્રકને ઉંચી કર્યા બાદ કારને ટ્રેક્ટર સાથે બાંધી બહાર કઢાઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રીપલ અકસ્માતમાં મરણ જનાર સંજયભાઈ માનસિંહ સોલંકી, સુરેશભાઈ વજેસિંહ સોલંકી અને જયેશભાઈ બુધાભાઈ પરમાર જંત્રાલ ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોને આ અંગે જાણ થતા જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓની રોકકળથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવ અંગે મોટરસાયકલના ચાલક જયેશભાઈ રવાભાઈ રબારીની ફરીયાદના આધારે ભાદરણ પોલીસે કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.