ખંભાતના ખડોધી ગામે દિવાલ ધરાશાયી થતાં 3 નાં મોત
- ફુલપુરા વિસ્તારમાં મકાનની દિવાલ પડી
- દંપતી અને તેમનો અઢી વર્ષનો પુત્ર ઊંઘી રહ્યાં હતાં ત્યારે દુર્ઘટના ઘટી
ખંભાત તાલુકામાં રવિવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સોમવાર મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. ધોધમાર વરસાદના કારણે તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં ખડોધી ગામની ઉત્તર બુનિયાદી સ્કૂલની સામે આવેલા ફુલપુરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર ઉંઘી રહ્યું હતું. દરમિયાન મંગળવારે વહેલી સવારે મકાનની એક તરફની દિવાલ ધરાશાયી થતાં મકાનમાં સુતેલા ઘનશ્યામભાઈ શનાભાઈ ચૌહાણ (ઉં.વ.૪૦), તેમના પત્ની શકુબેન (ઉં.વ. ૩૭) અને તેમનો અઢી વર્ષનો પુત્ર તુષાર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ અંગે સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. તંત્રએ કાટમાળ હટાવીને તપાસ કરતા દંપતિ અને બાળકના મોત નિપજ્યા હોવાનું ખૂલ્યું હતું. બનાવની જાણ થતાં ખંભાત પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.