Get The App

આણંદ શહેરમાં ટીસ્ક્વેર હોસ્પિટલના ભાગીદારની 3.96 કરોડની છેતરપિંડી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
આણંદ શહેરમાં ટીસ્ક્વેર હોસ્પિટલના ભાગીદારની 3.96 કરોડની છેતરપિંડી 1 - image


ભારતીય સેનામાંથી નિવૃત  તબીબ સાથે ઠગાઈ

- પત્ની અને પિતા સાથે મળી નાણાકીય ઉચાપત કર્યા બાદ સામાજિક કાર્યકર પરિવારને લઈ અમેરિકા નાસી ગયો 

આણંદ : આણંદમાં આવેલી ટીસ્ક્વેર હોસ્પિટલના ભાગીદારે તેની પત્ની અને પિતા સાથે મળી તેના બાળપણના મિત્ર અને ભારતીય સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલ પદેથી નિવૃત થયેલા તબીબ સાથે રૂ. ૩.૯૬ કરોડની છેતરપિંડી કરી અમેરિકા નાસી ગયા હતા. આ અંગે નિવૃત તબીબે આણંદ શહેર પોલીસ મથકે પોતાના મિત્ર અને સામાજિક કાર્યકર, તેની પત્ની અને પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આણંદમાં રહેતા ડૉ. રોહન જમનભાઈ હરસોડા ભારતીય સેનામાં તબીબી સેવા આપી મે-૨૦૨૨માં સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલના પદેથી નિવૃત થયા હતા. વર્ષ ૨૦૧૭માં તેમણે અને તેમના બાળપણના મિત્ર તનુજ જયેન્દ્રકુમાર પટેલ (રહે. આર્યનગર સોસાયટી, આણંદ)એ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ શરૂ કરવાની ચર્ચા કરી બંનેએ સહમત થઈ ટીસ્ક્વેર બ્રાન્ડ બનાવી ચાર કંપનીઓની સ્થાપના કરી હતી. 

તે સમયે કંપનીઓનું વહીવટી અને નાણાકીય કામકાજ તનુજ પટેલ કરશે અને ડૉ. રોહન અને તેમના પત્ની જુલીબેન (ડેન્ટીસ્ટ) મેડીકલને લગતું કામકાજ કરશે તેવી સહમતિ થઈ હતી. બાદમાં વર્ષ ૨૦૨૦માં આણંદના નાની ખોડિયાર મંદિર નજીક બહુમાળી ટીસ્ક્વેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. 

જો કે ડૉ.રોહન ભારતીય સેનામાં ફરજના કારણે વ્યસ્ત રહેતા હોવાથી તે હોસ્પિટલમાં નહીવત આવતા હતા અને તનુજ ઉપર વિશ્વાસ રાખી હોસ્પિટલનું તમામ સંચાલન તથા નાણાંકીય લેવડ-દેવડની જવાબદારી સોંપી હતી. નિવૃત્ત થયા બાદ ડૉ.રોહને તનુજ પાસે હોસ્પિટલનો વિગતવાર હિસાબ અંગે ચર્ચા કરતા તનુજે ગલ્લાં-તલ્લાં કર્યા હતા. ટેક્ષની રકમ બાકી પડતી હોવાથી તેમજ હોસ્પિટલના નામથી વિવિધ લોન ચાલુ હોય તેના હપ્તા અંગે ઉઘરાણી શરૂ થતા ડૉ.રોહને તનુજ સાથે ચર્ચા કરતા તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા. દરમિયાન ડાં. રોહને હોસ્પિટલમાં તપાસ કરતા તનુજ પટેલ પરિવાર સાથે ચાલુ વર્ષે જાન્યુઆરીથી અમેરિકા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કંપનીના ડાયરેક્ટર કુલદીપસિંહ સોલંકીએ રાખેલા રેકર્ડ તપાસતા અને એકાઉન્ટન્ટની પુછપરછ કરતા તનુજ, તેની પત્ની ઉમંગીબેન, પિતા જયેન્દ્રભાઈએ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી માર્ચ-૨૦૨૪ સુધીમાં પોતાના અંગત ફાયદા માટે રૂ. ૧.૬૯ કરોડ ઉપરાંતની રકમ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. 

ઉપરાંત તનુજ તેના પિતા જયેન્દ્ર પટેલના નામે રૂટ્સ ફાઉન્ડેશન નાની સંસ્થા ચલાવતો હતો અને દંપતી તેના ડાયરેક્ટર હોવાથી ફાઉન્ડેશનના બેંક એકાઉન્ટમાં તથા તનુજના મિત્રો અને પરિવારજનોને વિદેશ જવા હવાઈ યાત્રાની ટિકિટ તથા નામાંકિત કંપનીઓના એવોર્ડ મેળવવા અલગ-અલગ રકમનું દાન કર્યું હવાનું તથા તેના પત્ની અને પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

તેમજ ત્રણેયે હોસ્પિટલમાંથી  વેન્ટીલેટર વેચી નાખ્યા હતા. તેમજ ડૉ. રોહન તા. ૧૫ મે ૨૦૨૦ના રોજ નોકરી અર્થે કોંગોમાં રોકાયા હોવા છતાં તે તારીખની તેમની ભળતી સહી કરી બેંકમાં લેવડ-દેવડ કરી હોવાનું ખૂલ્યું હતું, તેમજ તેમના પત્ની જુલીબેનની પણ ભળતી સહી કરી હતી. ખોટો લેટર પણ મળી આવ્યો હતો. તનુજ પટેલ અને તેના પરિવારે કુલ રૂ. ૩,૯૬,૬૬,૮૫૦ની નાણાકીય ઉચાપત કરી હોવા અંગે ડૉ. રોહનની ફરિયાદના આધારે પોલીસે તનુજ પટેલ, ઉમંગી પટેલ અને જયેન્દ્રભાઈ અંબાલાલ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News