3.5 લાખ ભર્યા છતાં પાણીની નવી ટાંકીની મંજૂરી બે વર્ષથી અદ્ધરતાલ
- બોરસદ તાલુકાના ડભાસીના ગ્રામજનોએ
- દોઢ લાખ લિટરની જૂની ટાંકી જર્જરિત બનતા વર્ષ 2022 માં વાસ્મોમાં રજૂઆત કરાઈ હતી
ડભાસીમાં વર્ષ ૧૯૯૬માં દોઢ લાખ લિટરની પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. હાલમાં આ ટાંકી જર્જરીત હાલતમાં છે. ટાંકી ઉપર સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે. મોટી તિરાડો પડી ગઈ છે. કેટલીક જગ્યાઓએથી પાણી લીકેજ થઈ રહ્યું છે, લોખંડના સળિયા પણ કાટ ખાઈ ગયા છે. પરિણામે વર્ષ ૨૦૨૨માં સરપંચ દ્વારા નવી પાણીની ટાંકી બનાવવા અંગે વાસ્મોમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જેથી વાસ્મો દ્વારા રૂ. ૩૬ લાખની નવી દોઢ લાખ લિટરની ટાંકીની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ગ્રામજનોના લોકફાળાની સાડા ત્રણ લાખ રૂપિયા રકમ ભરવાની થતી હતી. જેથી ડિસેમ્બર-૨૦૨૨માં રૂ.૩.૫ લાખ ભર્યા પછી સરપંચ દ્વારા વારંવાર વાસ્મોમાં મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે વાસ્મોમાંથી ટાંકીની ફાઈલ ગાંધીનગરની મુખ્ય કચેરીમાં મોકલાઈ હતી. જેથી ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર ખાતે પણ લેખિત અરજી આપવામાં આવી હતી.
ત્યારે બે વર્ષ વીતી ગયા પછી પણ ગાંધીનગરથી હજૂ સુધી લેખીત મંજૂરી આપવામાં આવી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. હાલમાં જૂની ટાંકી તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે છ હજાર જેટલા ગ્રામજનોને પાણીની તકલીફો ઉભી થાય તેવી સ્થિતિ સર્જાવાનો ભય છે.
આ અંગે સરપંચ અલકાબેન પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષથી વારંવાર ગાંધીનગરના ધક્કા ખાવા છતાં પાણીની ટાંકીની મંજૂરી મળતી નથી. લોકફાળો આપનાર અમને વારંવાર પુછપરછ કરે છે કે, પૈસા ભર્યાને બે વર્ષ થયાં છતાં કેમ પાણીની ટાંકી મંજૂર થઈ નથી. જેથી પાણીની ટાંકીની મંજૂરી નહીં આવે તો ડભાસી ગ્રામ પંચાયતના સરપંચ પદેથી રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી હતી.