ખંભાતમાં 2 કલાકમાં પોણા 3 અને નડિયાદમાં એક ઇંચ વરસાદ
- પખવાડિયા બાદ મઘા નક્ષત્રમાં વરસાદ
- બોરસદમાં અડધા ઈંચ સાથે અન્ય તાલુકા કોરાધાકોર રહ્યા : નડિયાદ શહેરમાં પાણી ભરાયા : તાપ અને ભેજનું પ્રમાણ વધતાં બફારો વધ્યો
બુધવારે આણંદ જિલ્લામાં સાંજે ૪થી ૬ કલાક દરમિયાન જ વરસાદ નોંધાયો હતો. જેમાં ખંભાત તાલુકામાં પોણા ત્રણ ઈંચ, બોરસદમાં અડધો ઈંચ, પેટલાદમાં માત્ર બે મિ.મી. એટલે કે છાંટા જ પડયા હતા. જ્યારે તારાપુર, સોજિત્રા, ઉમરેઠ, આણંદ અને આંકલાવ તાલુકા સાવ કોરાધાકોર રહ્યા હતા.
નડિયાદ શહેરમાં આજે સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી એટલે કે ૪ કલાકમાં ૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા પખવાડિયાથી નડિયાદ સહિત જિલ્લામાં વરસાદનો છાંટોય પડયો ન હતો અને તેમાંય છેલ્લા ચારેક દિવસથી તો તાપમાનનો પારો દિવસને દિવસે ઉપર ચઢી રહ્યો છે. આજે બુધવારે તો ૩૫ ડીગ્રીની આસપાસ ગરમી હતી. જ્યારે વરસાદ પડયો ત્યારે ખૂબ સામાન્ય વાદળો છવાયા હતા અને તાપની વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો. જે દરમિયાન નડિયાદમાં ૧ ઈંચ, મહેમદાવાદમાં માત્ર ૮ મિ.મી. વરસાદ થયો છે. અન્ય તમામ તાલુકાઓ તો હજુ પણ કોરા ધાકોર છે. નડિયાદમાં આ ૧ ઈંચ વરસાદમાં તો ગરનાળા ૨ કલાક માટે ભરાઈ ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ કલાકો સુધી પાણી ભરાઈ રહ્યુ હતુ.
આ વરસાદના પગલે ખાસ કરીને પારસ સર્કલ પાસે શૈશવ હોસ્પિટલના ઢાળવાળા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને છેલ્લા પખવાડિયા જેટલા સમયથી યોગ્ય માત્રામાં વરસાદ થયો નથી અને તાપમાનનો પારો ઉંચો ચઢી રહ્યો છે. જેના કારણે ભેજ અને તાપના કારણે બફારો વધ્યો છે.