આણંદ જિલ્લામાં 6 મહિનામાં પુખ્તવયની 278 વ્યક્તિઓ ગુમ
- 200 વ્યક્તિ પરત મળી આવી, હજૂ 78 લાપતા
- અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ઓળખવિધીના આધારે તપાસ હાથ ધરાય છે
આણંદ : આણંદ જિલ્લામાં વ્યક્તિઓ ગુમ થવાના બનાવો વધી રહ્યા છે. જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે વર્ષ ૨૦૨૪માં જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના કુલ ૨૭૮ વ્યક્તિઓ ગુમ થયા હોવાના બનાવ નોંધાયા છે. જેમાંથી પોલીસે ૨૦૦ વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. જ્યારે હજૂ પણ ૭૮ વ્યક્તિઓ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આણંદ જિલ્લાના ૧૮ પોલીસ મથકો ખાતે જાન્યુઆરી-૨૦૨૪થી જૂન-૨૦૨૪ દરમિયાન ૨૦૨ મહિલાઓ અને ૭૬ પુરુષો મળી કુલ ૨૭૮ વ્યક્તિઓ લાપતા થઈ હોવાના બનાવો નોંધાયા છે. પરિવારજનોએ જાણ કરતા જે-તે પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વ્યક્તિઓની શોધખોળ હાથ ધરતા ૧૫૧ મહિલાઓ અને ૪૯ પુરુષો મળી કુલ ૨૦૦ વ્યક્તિઓ મળી આવ્યા છે. જ્યારે ૫૧ મહિલાઓ અને ૨૭ પુરુષો હજૂ સુધી મળી આવ્યા નથી. ગુમ થનાર વ્યક્તિઓમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધુ છે. તેમાં પણ યુવતીઓના ગુમ થવાના બનાવો વધુ નોંધાતા હોય છે. પ્રેમ પ્રકરણ, દેવુ વધી જવું, રોજગારી બાબતે પરિવાર દ્વારા ઠપકો આપવો, ડિપ્રેશન સહિતના કારણે વ્યક્તિ ઘર છોડી દેતી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસના મિસિંગ સેલ સુત્રોએ જણાવ્યું હતું કે, ગુમ થનારી વ્યક્તિ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતી હોય છે અથવા તો ઘરે રાખીને જતી હોય છે, જેને કારણે તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે, વ્યક્તિના કોલ ડીટેલ્સ અને લાસ્ટ લોકેશનના આધારે શોધખોળ હાથ ધરવામાં આવે છે.
ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવા છતાં મળી ન આવતા કેટલાકના અકસ્માતે મોત નિપજ્યા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. આ અંગે મિસિંગ સેલ દ્વારા અજાણ્યા યુવક-યુવતીઓના અકસ્માતે મોત થયા હોય તેમની ઓળખવિધિ કરી તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. કેટલીક વખત સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની પરીક્ષાની તૈયારી કરી રહેલા વ્યક્તિઓને સફળતા ના મળે કે કોઈ ઠપકો આપે, દેવુ વધી જાય તેવા સંજોગોમાં વ્યક્તિ નદીઓમાં કે રેલવેના ટ્રેક પર ઝંપલાવી આપઘાત કરતા હોય છે. ત્યારે આવા મૃતદેહોની ઓળખ થવી મુશ્કેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.