આણંદ નગરપાલિકામાં ચાલુ વર્ષે 21.76 કરોડ સાથે 80 ટકા વેરા રકમ વસુલાઈ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
આણંદ નગરપાલિકામાં ચાલુ વર્ષે 21.76 કરોડ સાથે 80 ટકા વેરા રકમ વસુલાઈ 1 - image


- આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષના છેલ્લા દિવસે વેરા ભરવા લોકોની ભીડ

- બોરિયાવી પાલિકામાં 76.46 લાખ અને પેટલાદ પાલિકામાં 4.95 લાખની વસુલાત :  બોરિયાવીમાં 36 મિલકતધારકોના નળ અને ગટર કનેક્શન કપાયા

આણંદ : આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષના છેલ્લા દિવસે નગરપાલિકામાં વેરા વસુલાત માટે લોકોની ભીડ જામી હતી. આણંદ નગરપાલિકામાં છેલ્લા એક માસથી ટીમો બનાવી ડોર ટુ ડોર વેરા વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બોરિયાવી નગરપાલિકમાં પણ છેલ્લા એક માસથી વેરા માટેની કાર્યવાહીને સઘન બનાવવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ૧૧ ટીમો અને બોરિયાવીમાં ત્રણ ટીમો વેરાની વસુલાત કરતી હતી. જેમાં આણંદ નગરપાલિકામાં કુલ રૂ.૨૧.૭૬ કરોડ, બોરિયાવી નગરપાલિકામાં રૂ. 76.46 લાખ અને પેટલાદ નગરપાલિકામાં રૂ. 4.95 લાખ વેરાની વસુલાત કરાઈ હતી.  

આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધી વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોરિયાવી નગરપાલિકામાં ૨૦૨૪ના વર્ષના બાકી વેરાની વસુલાત માટે મિલકતધારકોને નોટિસો આપી હતી. 

બોરિયાવી નગરપાલિકામાં છેલ્લા ૩ દિવસમાં મિલકતધારકો પાસેથી રૂ.૫.૪૦ લાખની વસુલાત કરવામાં આવી  હોવાની માહિતી ચીફ ઓફિસરે જણાવી હતી. જ્યારે બોરિયાવી નગરપાલિકામાં ૩૬ મિલકતધારકોના બાકી વેરા ન ભરાતા અંતે નળ અને ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. બોરિયાવી નગરપાલિકમાં અત્યાર સુધીમાં કુલ રૂ.૭૬.૪૬ લાખના વેરાની વસુલાત કરવામાં આવી હતી. આણંદ નગરપાલિકાની ટીમો દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની કાર્યવાહી આખા માર્ચ માસમાં શરુ કરવામાં આવી હતી. આણંદમાં ગત તા. ૩૦ અને ૩૧ માર્ચના રોજ રૂ.૨૭ લાખ અને રૂ.૨૦.૫૦લાખની વેરા વસુતાલ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

આણંદ નગરપાલિકામાં ચાલુ વર્ષના વેરામાં કુલ રૂ.૨૧.૭૬ કરોડની વસુલાત કરવામાં આવી છે. આણંદ નગરપાલિકામાં ચાલુ વર્ષના વેરાની રકમની ૮૦ ટકા રકમ વસુલવામાં આવી છે. જ્યારે પાછલા સહિત વેરાની મળી કુલ ૬૦.૫૭ ટકા રકમ વસુલવામાં આવી છે.

તેમજ પેટલાદ નગરપાલિકામાં પણ નાણાકીય વર્ષના છેલ્લા દિવસોમાં વેરા ભરનારાઓની ભીડ જામી હતી. પેટલાદ નગરપાલિકામાં માર્ચ માસની તા. ૨૬મીના રોજ ૮૬,૬૦૦, તા. ૨૭મીના રોજ ૫૧,૬૭૫, તા. ૨૮મી ના રોજ ૫૩,૭૩૮, તા. ૨૯મી ના રોજ ૩૩,૦૨૭, તા. ૩૦મી ના રોજ ૯૮,૫૬૧, તથા તા. ૩૧ માર્ચના રોજ ૧,૭૧,૫૩૬નો વેરો વસુલાયો હતો. જ્યારે પેટલાદમાં કુલ ૪,૯૫,૧૯૭ હોવાની માહિતી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી.


Google NewsGoogle News