Get The App

વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે સોજિત્રાના ત્રણ શખ્સો સાથે 20 લાખની છેતરપિંડી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે સોજિત્રાના ત્રણ શખ્સો સાથે 20 લાખની છેતરપિંડી 1 - image


- વિદેશ મોકલવાની લાલચ આપી ઠગી લીધા

- સોજિત્રા પોલીસ મથકે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવાઇ, પોલીસે તપાસ હાથ ધરી

આણંદ : સોજિત્રાના ત્રણ શખ્સોને ગામના જ પાસપોર્ટ વિઝાનું કામ કરતા એક વ્યક્તિએ લંડનના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને ૨૦ લાખ લઈ વર્ક પરમીટ વિઝા ન અપાવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરતા સોજિત્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

 સોજિત્રાના ગાંધીના દરવાજા વિસ્તારમાં રહેતા નિલેશકુમાર વિષ્ણુભાઈ રાણા દરજીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓ આઠેક માસ પહેલા કેન્યા ખાતે ગયા હતા પરંતુ માફક ન આવતા તેઓ સોજિત્રા પરત આવી ગયા હતા. લગભગ ચારેક માસ પૂર્વે વિઝા પાસપોર્ટનું કામ કરતા અને તેઓના મિત્ર સોજિત્રા ગામના પીયુષભાઈ ભાસ્કરભાઈ પટેલને તેઓએ લંડન જવા માટે વાત કરી હતી. 

જેથી લંડન વર્ક પરમીટ વિઝા માટે રૂા.૮ લાખ ખર્ચ થશે તેમ કહેતા તા.૧૧ નવેમ્બરના રોજ એડવાન્સ પેટે રૂા.૫ લાખ રોકડા આપ્યા હતા. ત્રણ માસમાં પ્રોસેસ પુરી કરવાનું કહ્યા બાદ એક મહિના પછી પૂછપરછ કરતા ફાઈલ મુકાઈ ગઈ છે થોડા દિવસોમાં કામ પતી જશે તેમ પીયુષભાઈએ કહ્યું હતું. 

જો કે થોડા દિવસો બાદ લંડન જવાની ફાઈલ મુકી ન હોવાનું નિલેશકુમારની જાણમાં આવતા આ બાબતે તેઓને પીયુષભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને તેઓએ આપેલ નાણાં પરત માંગ્યા હતા. ત્યાર બાદ અવારનવાર નાણાંની માંગણી કરતા પીયુષભાઈએ ફાઈલ ક્લીયર કરાવવાની ખાતરી આપી હતી. દરમ્યાન તપાસ કરતા પીયુષભાઈએ સોજિત્રા ગામના જ રવિકુમાર સોની પાસેથી પણ લંડન વર્ક પરમીટ વીઝા પેટે રોકડા રૂા.૭.૫૦ લાખ, મનીષકુમાર સોની પાસેથી રૂા.૭.૫૦ લાખ લઈ વીઝા ન અપાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમ ત્રણ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કુલ્લે રૂા.૨૦ લાખ જેટલી રકમ લઈ વર્ક પરમીટ વીઝા ન અપાવી વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણવા મળતા નિલેશભાઈ રાણાએ સોજિત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પીયુષભાઈ ભાસ્કરભાઈ પટેલ રહે.સમડી ચકલા સોજિત્રા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News