ને.હા.-48 ઉપર સંધાણા, દાવડામાં અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત
- બાઈકની ટક્કરે રોડ ક્રોસ કરતી વૃદ્ધાનું મૃત્યુ
- ગાડવાનો યુવાન મજૂરીથી પરત ફરતો હતો ત્યારે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી
માતર તાલુકાના સંધાણા સીમમાં રહેતા સબાભાઈ ભીખાભાઈ ચુનારાના સારસાના ફોઈ ચંદા ચંદુભાઈ ચુનારા દીકરીના ઘરેથી સંધાણા ગામે ભત્રીજાના ઘરે આવ્યા હતા. તેઓ સવાભાઈ ચુનારાના ઘરેથી સીમમાંથી ખેતરમાંથી ડાંગર વીણી સાંજે ગામમાં જતા હતા. દરમિયાન સંધાણા સીમમાં આવેલા ટ્રેકટરના શોરૂમ સામે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે ટોલનાકાથી નડિયાદ તરફ જતા મોટરસાયકલએ ટક્કર મારતા ચંદાબેન ચંદુભાઈ ચુનારા (ઉં.વ ૭૦) રોડ પર પટકાતા ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે સબાભાઈ ભીખાભાઈ ચુનારાની ફરિયાદના આધારે માતર પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના ગાડવામાં રહેતા સંજયભાઈ રાવજીભાઈ ચૌહાણ ગામમાં રહેતા નસરુદ્દીન ઈસામમિયા મલેકને લઈ મજૂરી કામ કરવા માટે બાઈક પર નડિયાદ ગયા હતા.
તેઓ સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે નંબર ૪૮ દાવડા બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી પસાર થતી વખતે પુરઝડપે આવેલા અજાણ્યો વાહન ચાલક મોટરસાયકલને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી બાઇક ચાલક સંજયભાઈ રાવજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૨) તેમજ પાછળ બેઠલ નસરુદ્દીન મલેકને રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ઇજા થઈ હતી. જે પૈકી સંજયભાઈ રાવજીભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નસરુદ્દીન ઇસામમિયાં મલેકની ફરિયાદના આધારે વસો પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.