Get The App

વીરોલ ગામના રહિશના પેન્શન ખાતામાંથી 2.51 લાખ ઉપડી ગયા

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
વીરોલ ગામના રહિશના પેન્શન ખાતામાંથી 2.51 લાખ ઉપડી ગયા 1 - image


- હાઇસ્કૂલના નિવૃત જુનિયર કલાર્ક સાથે ઠગાઇ

- બંધ મોબાઇલ નંબર કંપનીએ અન્ય ગ્રાહકને ફાળવી દેતા ઓટીપીના આધારે ઠગાઇ થયાની આશંકા

આણંદ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના વીરોલ ગામના નિવૃત્ત શખ્સના પેન્શન ખાતામાંથી કોઈ અજાણ્યા ગઠીયાએ રૂા.૨.૫૧ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ઉપાડી લઈ છેતરપિંડી આચરતા આ બનાવ અંગે આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

વીરોલ ગામે રહેતા પ્રવિણભાઈ પરસોત્તમભાઈ પટેલ એક હાઈસ્કુલમાં જુનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓનું પેન્શન એસબીઆઈ ખાતામાં જમા થાય છે. ગત એપ્રીલ ૨૦૨૩માં અમેરિકા ખાતે ગયા હતા દરમ્યાન તેઓએ નાના ભાઈ જીતેન્દ્રભાઈને પેન્શનની રકમનું બેલેન્સ ચેક કરવા જણાવ્યું હતું.  તેઓએ બેલેન્સ ચેક કરતા ઝીરો બતાવતું હતું જેથી તેઓએ પ્રવિણભાઈને અમેરિકા ફોન કરીને આ અંગેની વાત કરતા તેઓએ કોઈપણ રકમ ઉપાડી ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં બેંક સ્ટેટમેન્ટ કઢાવતા તા.૨-૯-૨૩ થી તા.૧૪-૯-૨૩ના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ગઠીયાએ તેઓના એકાઉન્ટમાંથી રૂા.૨,૫૧,૧૬૮ જેટલી રકમ યુપીઆઈ મારફતે ઓનલાઈન ઉપાડી લીધી હોવાનું માલૂમ પડયું હતું. ઉલ્લેખનીય છે કે તેઓએ પોતાના એકાઉન્ટ સાથે જે મોબાઈલ લીંક હતો તેને રીચાર્જ  ન કરાવતા સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા આ મોબાઈલ નંબર અન્ય ગ્રાહકને તબદીલ કરી દીધો હતો. પરંતુ બેંકના ખાતામાં ઉક્ત મોબાઈલ ફોન રજીસ્ટર્ડ હોઈ એક્ટીવ બતાવતો હતો.  જેથી તેઓએ આ મોબાઈલ ઉપર સંપર્ક કરતા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફોન રીસીવ થયો હતો પરંતુ પોતાનું નામઠામ ન જણાવતા ફોન કટ કરી દીધો હતો. ત્યાર બાદ વારંવાર ફોન કરવા છતાં શખ્સે ફોન ઉઠાવ્યો ન હતો.

  જેથી આ જ શખ્સે તેઓના એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા ઉપાડયા હોવાનું લાગતા જીતેન્દ્રભાઈએ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News