જંત્રાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 19.47 લાખની ઉચાપત
- ઓડિટ દરમિયાન કૌભાંડનો પર્દાફાશ થયો
- દાણ વેચાણ ક્લાર્ક હંગામી ઉચાપત કરી ટુકડે ટુકડે પૈસા જમા કરતો હતો
બોરસદ તાલુકાના જંત્રાલ ગામની દૂધ મંડળીમાં દાણ ક્લાર્ક તરીકે રાવજીભાઈ ભાઈલાલભાઈ પરમાર ફરજ નીભાવતા હતા અને ઉપરોક્ત મંડળીમાં તા.૧૪મી માર્ચ, ૨૦૨૨થી દુધ ટેસ્ટર તરીકે નોકરી કરે છે.
દરમ્યાન જંત્રાલ દૂધ ઉત્પાદક મંડળીનું તા.૦૧ એપ્રિલ, ૨૦૧૯ થી તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીનું ઓડિટ થતા ઓડિટરો દ્વારા મંડળીના રજીસ્ટરો તથા રોજમેળ વિગેરેની તપાસણી કરી હતી.
તે સમયે દાણ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તત્કાલીન કર્મચારી રાવજીભાઈ ભાઈલાલભાઈ પરમારે રૂા.૧૯,૪૭,૯૭૮ પોતાના કામે વાપરી હંગામી ઉચાપત કર્યા બાદ ટુકડે-ટુકડે ઉચાપતના નાણાં જંત્રાલ દૂધ ઉત્પાદક મંડળીમાં જમા કરાવેલ હોવાનું ખુલવા પામ્યું હતું.
જે અંગે સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા ચેરમેનને પોલીસ ફરિયાદ કરવાનો લેખિત આદેશ કરતા ચેરમેન અંબાલાલ પરમારે વિરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.