આણંદ જિલ્લામાં 17 વાહનો ડીટેઈન 1,352 વાહન ચાલકો સામે કેસ
- દિવાળી વેકેશન પહેલા આરટીઓની કાર્યવાહી
- ઓવર સ્પીડ, રોડ સેફ્ટી, ડ્રાઈવિંગ લાઈસન્સ, પીયુસી, ફિટનેસ વગરના વાહન ચાલકો દંડાયા
આણંદ જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા વિદ્યાર્થીઓને લઈ જવા-લાવવા માટે ઉપયોગમાં લેવાતી ખાનગી સ્કૂલ વાન, રિક્ષા, પેસેન્જર વાહનો સામે કાર્યવાહી કરવા દિવાળી વેકેશન પહેલા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૨૦ ટ્રાન્સપોર્ટ રિક્ષા સામે એન્ફોર્સમેન્ટની કામગીરી કરાઈ હતી.
ઉપરાંત ૧૭ વાહનોને ડીટેઈન કરી ૧૦ દિવસ માટે વાહનોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાયું હતું. તેમજ ફિટનેસ વગરના ૨૯ વાહનો, રેડિયમ-રીફલેકટર વગરના ૨૫૪, ઓવર સ્પીડના ૧૭૯, ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ૨૨, પીયુસીના ૯૨, પરમિટના ૩૬, રોડ સેફ્ટીના ૩૮૭, અન્ય ૩૧૭ અને વીમા વગરના ૩૬ મળીને કુલ ૧,૩૫૨ વાહન ચાલકો સામે કેસ કરીને દંડની વસૂલાત કરવામાં આવી હતી.
તેમજ આરટીઓ કચેરી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં જિલ્લાની શાળાઓમાં આચાર્ય સાથે બેઠક યોજી શાળામાં માર્ગ સલામતી જળવાય, વિદ્યાર્થીઓમાં વાહન ચલાવવા, પાર્કિંગની અવેરનેસ સહિત રોડ સેફ્ટી બાબતે ૨૫ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.
સ્કૂલ રિક્ષામાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે નહીં
દિવાળી વેકેશન બાદ હવે બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે નહીં. તેમજ વધુ છાત્રોને બેસાડવામાં આવે તો આરટીઓ દ્વારા એનફોર્સમેન્ટ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેક વાહન આરટીઓના નિયમો મુજબ પાર્કિંગ કરે, ઓવર સ્પીડમાં ન ચલાવે, પીયુસી, પરમિટ, વીમો, ફિટનેસ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે પણ અપડેટ હોય તે રીતે વાહન ચલાવવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું.