For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આણંદ બેઠકના સાત ઉમેદવારોનું ભાવિ આજે 17.80 લાખ મતદારો નક્કી કરશે

Updated: May 7th, 2024

આણંદ બેઠકના સાત ઉમેદવારોનું ભાવિ આજે 17.80 લાખ મતદારો નક્કી કરશે

- પોતાના પ્રતિનિધિને ચૂંટવા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

- સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે, મતદાનને લઇને ભારે ઉત્સાહ

 આણંદ : આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૭ મે ૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારના રોજ ૧૭,૮૦,૧૮૨ મતદારો ૭ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આણંદ લોકસભા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ગરીબ કલ્યાણ પાર્ટી, રાઈટ ટુ રીકોલ પાર્ટી, ૨ અપક્ષો મળી કુલ-૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ચાલુ વર્ષે આણંદ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

આણંદ લોકસભા બેઠકની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગેની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી પંચના આદેશો મુજબ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. 

આણંદ બેઠક માટે ૯,૦૭,૯૩૪ પુરૂષ મતદારો અને ૮,૭૨,૧૧૭ સ્ત્રી મતદાર તેમજ ૧૩૧ ત્રીજી જાતિના મતદારો મળી કુલ-૧૭,૮૦,૧૮૨ મતદારો મંગળવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાની લોકસભા બેઠક માટે ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીનથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ માટે જિલ્લામાં કુલ-૧,૭૭૩ મતદાન મથકો ખાતે મતદાન પ્રક્રિયા યોજાશે. 

૧૬-આણંદ સંસદીય મતવિસ્તારમાં મતદાનના દિવસે ૮,૦૭૮ કર્મચારી/અધિકારીઓની સેવા લેવામાં આવશે. જેમાંથી ૧,૯૫૪ પ્રિસાઈડીંગ ઓફિસર, ૧૯૫૪ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, ૧૯૫૪ મહિલા પ્રિસાઈડીંગ ઓફિસર તેમજ ૧૬૧ માઈક્રો ઓબ્ઝર્વર તથા ખંભાત પેટા ચૂંટણી માટે વધારાના ૨૬૨ પોલિંગ ઓફિસર પોતાની ફરજ ઉપર તૈનાત રહેશે. 

આણંદ મતવિસ્તાર હેઠળના મતદાન મથકો ખાતે કુલ-૮૮૮ વેબ કાસ્ટીંગ કેમેરા ગોઠવાશે. તમામ ગતિવિધિઓનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે. આ મતદાન પ્રક્રિયા સુચારુ રીતે થઈ શકે તે માટે ૧૭૭૩ બી.યુ, ૧૭૭૩ સી.યુ. તેમજ ૧૭૭૩ વી.વી.પેટની ફાળવણી કરાઈ છે. 

જ્યારે ૪૪૦ બી.યુ. ૪૪૦ સી.યુ. અને ૬૧૭ વી.વી.પેટ રીઝર્વ રાખવામાં આવ્યા છે.  જિલ્લામાં મતદાનના દિવસે જે તે ઝોનમાં ફરજ ઉપર તૈનાત અધિકારી તેમજ મતદાન માટેની સામગ્રી સાથે મતદાન ટૂકડીઓ જે તે મતદાન મથકોએ પહોંચાડવા માટે જિલ્લામાં ૧૪૯ એસ.ટી. બસ મળી ૪૬૭ વાહનોની ફાળવણી કરવામાં આવી છે.

હિટવેવની સંભાવના વચ્ચે રાજકીય પક્ષો દ્વારા સવારના ચરણમાં જ પોતાના તરફી મોટાભાગનું મતદાન થાય તે માટે વ્યૂહરચના ઘડવામાં આવી છે. જેને લઈ વિવિધ મતદાન મથકો ખાતે સવારે મતદારોનો ધસારો વધુ રહેશે તેવી શક્યતા છે. 

કાળઝાળ ગરમી વચ્ચે આરોગ્ય તંત્રએ પણ વિવિધ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.

પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ ઉમેદવારો દ્વારા ખાટલા પરિષદો યોજી ડેમેજ કંટ્રોલ સહિત મતદારોને રીઝવવા માટે ચવાણાના પેકેટનું વિતરણ કરી પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે મંગળવારે ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા પોતાના તરફી મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરાશે.

Gujarat