Get The App

આણંદ અને ખેડા જિલ્લાની 1200 થી વધુ શાળાના 1495 ઓરડા જર્જરિત

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
આણંદ અને ખેડા જિલ્લાની 1200 થી વધુ શાળાના 1495 ઓરડા જર્જરિત 1 - image


- નવા બાંધકામ અંગે ઉપેક્ષા કરાતા વિદ્યાર્થીઓના માથે જોખમ

- જર્જરિત વર્ગખંડ મામલે ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરતા મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ થશે  

આણંદ : ખેડા જિલ્લાના માતર તાલુકાની શેખુપુરા શાળામાં વર્ગખંડના પોપડા પડતા ચાર બાળકોને ઈજા પહોંચતા હરકતમાં આવેલ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની ૧૨૦૦ ઉપરાંત શાળાના ૧૪૯૫ જર્જરીત ઓરડા ઉતારી પાડવાની કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી.  

ઉમરેઠ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં જર્જરીત ઓરડા ઉતારી લીધા બાદ નવા ઓરડા તૈયાર કરવામાં વિલંબ થતા શાળાના ભુલકાંઓને શિયાલાની ઠંડીમાં ખુલ્લામાં બેસી ભણવાની ફરજ પડી હોવાના સમાચાર સોશિયલ મીડીયામાં વહેતા થયા હતા. 

આણંદમાં લગભગ ૧ હજાર શાળાઓમાં અંદાજે ૩૪૯ તથા ખેડા જિલ્લાની ૧૨૦૦ શાળાઓ પૈકી ૫૦૦ સરકારી શાળાઓમાં ૧૪૯૫ ઉપરાંત વર્ગખંડો જર્જરીત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે જવાબદાર તંત્રમાં તપાસ કરતા ઉચ્ચ કક્ષાએ દરખાસ્તો કરાઈ હોવાનું અને ઉચ્ચ કચેરીએથી મંજુરી મળ્યા બાદ કામગીરી હાથ ધરાશે જેવા જવાબો આપવામાં આવે છે. બીજી તરફ કેટલા ઓરડાની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી  તેમજ કેટલાક જર્જરીત ઓરડા પેન્ડીંગ છે અને કેટલા ઓરડાના સમારકામ તથા નવા ઓરડા બનાવવા માટેના ટેન્ડર ભરાયા જેવી માહિતીના જવાબ જિલ્લા કચેરીઓના સમક્ષ અધિકારીઓ પાસે ન હોવાનું સામે આવ્યું છે. 

જર્જરિત ઓરડા ઉતારી લેવાની સૂચના છતાં અમલ નહીં 

ગત તા.૨૯ એપ્રિલ, ૨૦૨૩ના રોજ આણંદ અને ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના તમામ મુખ્ય શિક્ષકો, ટીપીઓ, બીઆરસીને જર્જરીત વર્ગખંડો ઉતારી પાડવાની અપાયેલ સૂચના પત્રમાં જણાવ્યા મુજબ આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાનાર છે જે અંતર્ગત વર્ગખંડોનો મતદાન મથક તરીકે ઉપયોગ થતો હોવાથી ચાલુ શૈક્ષણિક કાર્ય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંજુર થયેલ વર્ગખંડોને નિયમોનુસાર ઉતારી પાડવા પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવા જણાવાયું હતું. જો કે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું હોવા છતાં જિલ્લા કક્ષાએથી મોકલાવેલ સૂચના પત્રની અમલવારી ન થઈ હોવાનો રોષ વાલીઓ દ્વારા વ્યક્ત કરાયો છે.

જર્જરિત ઓરડા ઉતારી લેવાની તાકિદ 

ઉમરેઠ અને પેટલાદ તાલુકાની પ્રાથમિક શાળામાં વર્ગખંડના અભાવે શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓ બહાર બેસીને અભ્યાસ કરતા હોવા અંગે વિડીયો વાયરલ થતા આણંદ જિલ્લાનું શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી શાળાની એસએમસીની બેઠક બોલાવી, શાળાના ડેમેજ સર્ટી મુજબ મંજુરી મળેલ જર્જરીત ઓરડા ઉતારવાની નિયમ મુજબ કાર્યવાહી કરવા તાકીદ કરવા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી બદલ જે-તે શાળાના મુખ્ય શિક્ષણને જવાબદાર ગણી તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અપાઈ હતી.

નવા ઓરડાનું મોનિટરિંગ ન થતી હોવાની ફરિયાદો  

 આણંદ અને ખેડા જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગે સરકાર દ્વારા મંજુર કરાયેલા નવા ઓરડાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનુસાર થાય છે કે કેમ તે અંગે મોનીટરીંગ કરવાનું હોય છે. પરંતુ મોટાભાગના અધિકારીઓ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોઈ માત્ર કાગળ ઉપર વિઝિટ બતાવા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જો કે શાળાઓમાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે સમગ્ર મામલો ઉજાગર થતો હોવાનું જાણવા મળે છે.


Google NewsGoogle News