આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે 14.5 ડિગ્રી તાપમાન

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે 14.5 ડિગ્રી તાપમાન 1 - image


- તાપમાનનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

- ઠંડા પવનોથી બચવા લોકો ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે, આગામી સમયમાં ઠંડી વધવાની સંભાવના

આણંદ : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે છેલ્લાં બે દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડી.સે.થી નીચે રહેતા શીતલહેર ફરી વળી છે. તેજ ઠંડા બર્ફીલા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું છે. પરિણામે લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી છે.

દિવાળી પર્વ બાદ આણંદ જિલ્લામાં ધીમા ડગલે શિયાળાનું આગમન થયું હતું. જો કે ત્યારબાદ કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઠંડીનું પ્રમાણ  ઘટયું હતું. જો કે ઉત્તર ભારતના કેટલાક સ્થળોએ હિમ વર્ષા થવાના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે. 

ગત શનિવારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૯.૨ ડી.સે. નોંધાયા બાદ રવિવારે તાપમાનના પારામાં અચાનક ઘટાડો નોંધાયો હતો અને લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડી.સે. સુધી ગગડી ગયું હતું. સોમવારે સતત બીજા દિવસે પણ લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૫ ડી.સે. ઉપર સ્થિર થયો હતો. 

સાથે સાથે પવનની ઝડપ પણ વધતા જિલ્લામાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીનું જોર વધુ રહેતા લોકો ગરમ વસ્ત્રો તથા તાપણાનો સહારો લઈ રહ્યાં છે. ચાલુ વર્ષે શિયાળા દરમિયાન જિલ્લામાં સૌપ્રથમ વાર લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડી.સે.થી નીચે ગયો છે, ત્યારે ઠંડીનું પ્રમાણ વધતા એ.સી, પંખા, કુલરનો ઉપયોગ ઘટયો છે. ખેડૂતો પણ ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૮.૨ ડી.સે અને લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડી.સ.ે નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનુંં પ્રમાણ ૮૩ ટકા, પવનની ઝડપ ૪.૪ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૮.૭ નોંધાયો હતો. આગામી સપ્તાહ દરમિયાન જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો હજી નીચો અને ઠંડીનું જોર હજી વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News