આણંદ શહેરમાં 125 કાચા-પાકા દબાણો દૂર કરાયા : 40 ફૂટનો માર્ગ ખુલ્લો કરાયો
- શહેરની ટૂંકી ગલી અને જૂના બસ સ્ટેન્ડ આસપાસ તંત્રની કાર્યવાહી
- શહેરમાં આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત્ રખાશે, પુનઃ દબાણો ના ખડકાય માટે પોલીસ બંદોબસ્ત મુકવાનું આયોજન
આણંદ પાલિકાની ટીમ દ્વારા સોમવારે ટૂંકી ગલી, સુપર માર્કેટ તથા જુના બસ મથકની આસપાસના વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દઈ ટૂંકી ગલી સહિત આસપાસના વિસ્તારમાં ખડકાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી આશરે ૪૦ ફૂટનો માર્ગ ખુલ્લો કર્યો હતો. તેમજ જુના બસ મથકની આસપાસમાં ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી દિવસ દરમિયાન ચાલુ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરની ટૂંકી ગલી તથા જુના બસ મથકની આસપાસ અનેકવાર તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે ગણતરીના દિવસોમાં જ પરિસ્થિતિ યથાવત્ થઈ જાય છે.
આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, સોમવારે ટૂંકી ગલી સહિત આસપાસમાંથી ૧૨૫ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેશે. ટૂંકી ગલીમાં પુનઃ દબાણો ન ખડકાય તે માટે જરૂર પડયે પોલીસ બંદોબસ્ત મુકવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.